આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭

સમજ, અને અમારા આ માર્ગમાં તે સર્વના વ્યાવર્તક વિશેષ છે તે પણ સમજ. આજ સુતા પ્હેલાં આ વિષય તને કરબદર૧.[૧] જેવો હું કરી આપીશ અને સ્વસ્થ નિદ્રાનો તું ઘણે દિવસે અનુભવ કરીશ.

કુમુદ – તમારી સર્વની હું દુઃખી જીવ ઉપર કૃપા છે.

મોહની – કામ, ભોગ, અને પ્રીતિ, સ્થૂલ શરીરને વિષય કરે છે ત્યારે સ્થૂલ હોય છે; સૂક્ષ્મ શરીરને વિષય કરે છે ત્યારે તે સૂક્ષ્મ હોય છે ને તેને અધ્યાત્મ પણ ક્‌હે છે. અમારે ત્યાં કેવળ-સ્થૂલ કામાદિ નથી, પણ સ્થૂલસૂક્ષ્મ અને કેવળસૂક્ષ્મ હોય છે. ધર્મ, ભક્તિ, અને જ્ઞાનથી જેમ મોક્ષ શોધાય છે તેમ આ ઉભય સૂક્ષ્મ કામાદિથી પણ શોધાય છે. અમારાં સાધુજન કેવલ સ્થલ કામાદિને સંગ્રહતા નથી અને તેનો નિરોધ કરવામાં અમારી ષટ્સંપત્તિઓ વ્યાપૃત ર્‌હે છે. પણ સૂક્ષ્મ કામાદિનો અમે નિરોધ કરતાં નથી. કન્યાના કંકણ પેઠે કોણે એકલાં અવિવાહિત રહેવું અને અલખની લખવાસનાએ સયોજવા માંડેલા કીયા જીવ-અણુઓયે ત્રસરેણુકાદિ સંયુક્ત રૂપ પામવાં એ વ્યવસ્થા એ લખ-વાસનાની છે – શ્રી યદુનન્દનની છે, મનુષ્યની નથી. બે જીવઅણુનાં ભિન્ન સ્ફુરતાં હૃદયમાં મન્મથોદય થાય અને એના મન્થનથી એ હૃદય,ભિન્ન અણુઓ પેઠે, અયસ્કાન્ત અને અયોધાતુ પેઠે, એક બીજાના સાન્નિધ્યમાં આકર્ષાય ત્યારે સાધુઓ ચેતી લે છે કે व्यतिषजति पदार्थानान्तरः कोपि हेतुः । આ આન્તર હેતુભૂત લખ-વાસનાથી ઉન્મીલિત થતાં ઉભય હૃદયકમલ પરસ્પરનું સંબોધન અને અભિજ્ઞાન કરે છે અને એ સંયોગ કરવા શ્રી યદુનન્દન ઇચ્છે છે કે નહી તે જાણવા મન્મથને પરિશીલક કરે છે અને પુરુષસાધુ સાધ્વીજનનું સંવનન કરે છે. સ્ત્રી પરિશીલન કરે નહી તો એ સંયોગ-વાસના પુરુષે ત્યજવી, અને પુરુષ સંવનન કરે નહી તો સ્ત્રીએ સંયોગવાસના ત્યજવી, એવી પ્રભુની ઈચ્છા ગણીએ છીએ. પણ જો તેવું કાંઈ ન હોય તે શ્રીયદુનન્દનની ઈચ્છાને અનુકૂળ ગણી તેમના પુત્ર કામદેવ પોતાનાં સર્વ અસ્ત્ર લેઈ પરિશીલન-કાર્યે સ્થૂલસૂક્ષ્મરૂપે સજજ થાય તેમનો સત્કાર કરવો એ સાધુજનમાં લખરૂપની અલખપૂજા ગણાય છે. આ પૂજાનો સંવનનથી આરંભ થાય છે, પરિશીલન એ એનો દ્વિતીય પણ દુસ્તર વિધિ છે, અને તે વિધિ નિર્વિઘ્ન સમાપ્ત થાય તે સંસારી જનોના સાત વિવાહ ત્યજી તેમજ તેમનું વરણ-વિધાન-જાળ ત્યજી, અમે ગાન્ધર્વ


  1. ૧.હાથમાં ઝાલેલું બોર (ફળ).