આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪

બિન્દુ૦ – જાનુભાગ[૧] ઉપર હાથ અને હથેલી ઉપર ગંડસ્થલ[૨] ટેકવી બેસી રહી અને આડું જોઈ કંઈક મનમાં ગાતી અને ગણગણતી હતી.

મોહની –

[૩]अधिजानु बाहुमुपधाय नमत्
करपल्लवाप्रनिहिताननया ।
उदकण्ठि कण्ठपरिवर्तिकल -
स्वरशून्यगानपरयाऽपरया ।।२।।

ચંદ્રા૦ - એ છેલે સુધી કંઈજ બોલી નહી ?

બિન્દુ૦ – ના. મ્હેં એને કહ્યું કે અમે નવીનચંદ્રજી પાસે પ્રત્યક્ષ થઈ વિજ્ઞપ્તિ કરી શકીશું. તો પણ એ બોલી નહી. અન્તે મ્હેં કહ્યું કે તું નહી બોલે તો અમે અમારી મેળે જે સુઝશે તે જઈને ત્હારે નામે તેમને કહીશું.

ચંદ્રા૦ - પછી ?

બિન્દુ૦ – તો પણ તે બોલી નહી. ઘણું થયું ત્યારે ઉભી થઈ નીચું જોઈ રહી, અશ્રુપાત કર્યો, અને એક પાસ ચાલી ગઈ.

મોહની – એ પણ સમજાયું;

४.[૪]"ननु सन्दिशेति सुदृशोदितया
त्रपया न किञ्चन किलाभिदधे ।
निजमैक्षि मन्दमनिशं निशितैः
कृशितं शरीरमशीरशरैः ।।"


“મોહની, તરસ્થાને નવીનચંદ્રજીનું દર્શન થયું તે પ્હેલાં મધુરીની અવસ્થા કેવી હતી ?” વિચાર કરી ચંદ્રાવલીએ મોહની ભણી ફરીને પુછયું.


  1. ઢીંચણ
  2. લમણા
  3. એક યુવતિ ઢીંચણ ઉપર હાથનો બાહુભાગ(ક્‌હોણી સુધી) ટેકવી બેઠી, ને પલ્લવ જેવી નમતી હાથેલી ઉપર મુખભાગને ટેકવ્યો; ઉંચા સ્વર વગરના ઝીણા અવ્યકત મધુર ગાનને કંઠમાં પરિવર્ત્તન કરાવવા – આળોટાવવા – લાગી અને ઉત્કંઠા ધરવા લાગી. (માઘ)
  4. ४.“જરી કંઈ સંદેશો ક્‌હાવની!” એવું દૂતીએ કહ્યું ત્યારે લજજાને લીધે સુલોચનાએ કંઈ પણ જાણે ઉત્તર દીધો ન હોય એમ બોલી નહી પણ કામના તીક્ષ્ણ બાણોએ રાત્રિદિવસ કૃશ કરી નાંખેલું પોતાનું શરીર હતું તેને જ માત્ર ધીમેથી એ જોઈ રહી. (માઘ)

.