આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯


ચંદ્રા૦- માજીના ચરણમાં જઈ દૂતીકર્મ કરવું શું યોગ્ય છે?

ભક્તિ૦– દીકરીની સેવા માટે જ માજીયે તમને મોકલ્યાં છે, ચંદ્રાવલી, અલખનું દૂતીત્વ એ તો આપણું સહજ કાર્ય છે.

ચંદ્રા૦- મ્હેં મ્હારા ઇષ્ટ જનને સંન્યાસ આપ્યો અને જાતે લીધો તે કાળથી સંકલ્પ લીધો છે કે તેનો અને મ્હારો ચક્ષુઃસંયોગ થવા દેવો નહી.

મેાહની– ચંદ્રાવલીનું વૈરાગ્ય એવું નથી કે તે તારામૈત્રકથી નષ્ટ થાય.

ચંદ્રા૦– અનંગ ભસ્મ થયલો પણ જીવે છે, અને ધૃત-અગ્નિનું સાન્નિધ્ય થાય ને તેમની પ્રકૃતિ મૂળરૂપે ર્‌હે તો અનંગને સર્વવ્યાપી ન ગણવો. મોહની, આ કામ તમે જ માથે લ્યો અથવા ભક્તિને સોંપો.

મોહની- એક પાસ આવી સંપ્રતીતા મેધાવિની અને બીજી પાસ આવા વિરક્ત ગમ્ભીર નવીનચન્દ્રજી – તેમની પાસે જઈ તેમાંનાં એક પણ હૃદયમાં ચઞ્ચૂપાત કરવા ચન્દ્રાવલી અને વિહારપુરી વિના બીજા કોઈનું ગજું નથી. એ બે માંથી એક જણનું પણ ગજું નથી – એ તો તેમનું સંયુકત દૂતકર્મ પ્રવર્તે ત્યારે જ કાંઈ ફલની આશા સમજવી.

ભકિત૦– ચન્દ્રાવલી, કેમ શકિત ર્‌હો છો ?

ચન્દ્રા૦- ગમે તેવું વિરકત હૃદય પરિશીલક જનની પાસે જતાં કમ્પે છે. મ્હારા હૃદયનો મને વિશ્વાસ નથી અને પુરૂષોનાં હૃદયનું દષ્ટાંત તો માદ્રીએ અનુભવેલું છે. ભક્તિમૈયા, જે કલ્યાણયોગને માટે આ હૃદય વિહારપુરી જેવા મહાત્માને ગુરુજીના ચરણમાં જવા દેઈ જાતે જગદમ્બાના ચરણમાં ગયું છે તેણે તે યોગના પ્રયોગને આટલે સુધી સાધી શું હવે પડતો મુકવો ? ના, મ્હારાથી એવું નહી થાય.

મોહની – અભિમાનિની ! ચન્દ્રાવલી અભિમાનિની ! શ્રીઅલખનો પ્રકાશ સર્વ પાસ સર્વ હૃદયમાં પ્રસરે છે તેને શુદ્ધ નિર્મળ સ્વરૂપે અપ્રતિહત વહન પામવામાં અનુકૂલ થવું એ આપણો ધર્મ તમે છોડી દીધો છે? મધુરીના કલ્યાણને માટે દૂતી થવામાં શું ચન્દ્રાવલી હલકું માને છે?

ચન્દ્રા૦- એવો અર્થનો અનર્થ ન કરો. મધુરીને માટે ચન્દ્રાવલી શું નહી કરે ? પણ ચણાયલી હવેલી તોડી પાડવાનો મને શો અધિકાર છે ?

મોહની – જો એમ હોય તો મધુરીને સમુદ્રમાં સુવા દેવી હતી. એને જીવાડી તો એના જીવનનાં સાફલ્ય ને સુખ આદરવાને માટે ચન્દ્રાવલીથી ના નહી ક્‌હેવાય.