આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨


સાયંકાળે ત્રણે મઠની નિરીક્ષા કરવા વિષ્ણુદાસ પોતાના મઠના સર્વે અધિકારીયોને લઈ નીકળ્યા, અને તેમનાં અધિષ્ઠાતા અને અધિષ્ઠાત્રીઓને – તેમના મઠની સ્થિતિ, મઠસ્થ સાધુજન અને આગન્તુક જન, મઠમાં ચાલતા સદભ્યાસ અને સદુદ્યોગ, સદ્ધાસનાઓ અને અલખબેાધન, આદિ વિષયો વીશે – વિવિધ પ્રશ્નો પુછ્યા, વિવિધ સૂચનાઓ કરી, અને સાથે આવેલા સરસ્વતીચંદ્રને એ સર્વ વ્યવસ્થા પગે ચાલતાં ચાલતાં સમજાવી. ચન્દ્રોદયકાળે યમુનાકુંડ પાસે ચોકમાં વિહારમઠની સ્ત્રીઓએ રાસલીલા નાટકરૂપે ભજવી. કેટલીક સ્ત્રીઓએ કૃષ્ણના વેશ લીધા હતા અને બાકીની સ્ત્રીઓ ગોપીઓ થઈ હતી. એક સ્ત્રી રાધા થઈ હતી, અને પાંચ છ સખીઓ થઈ હતી. પ્રથમ ગોકુળના ગૃહસંસારનો પ્રવેશ અને તેમાં ગોપિકાઓના ગૃહવ્યવહારનું નાટક ભજવાયું અને તે કાળે માત્ર મોરલીનો અવ્યક્ત દૂરથી આવતો સ્વર સાંભળી ગોપિકાઓ ચમકતી હતી અને ગૃહ છોડી મધુવનમાં જવા તત્પર થઈ બીજા પ્રવેશમાં કદમ્બ ઉપર કૃષ્ણ મોરલી વગાડતા હતા ત્યાં તેમને શોધતી શોધતી ગોપિકાઓ વિવ્હલ જેવી આવી, અને કમળની આશપાશ મધુકરીઓનું ટોળું ભમે અને ગુઞ્જારવ કરે તેમ કરવા લાગી. ત્રીજા પ્રવેશમાં એ વૃક્ષ પાસે અનેક રૂપે કૃષ્ણ અને અનેક ગોપિકાઓનો રાસ થયો તેમાં સંગીત, વાદ્ય, અને નૃત્યનો ઉત્તમ સંવાદ યોજયો હતો. ચોથા પ્રવેશમાં રાધા અને સખીઓ એ મંડળમાંથી જુદી પડી અને રાધા કૃષ્ણ સાથે અદ્વૈતવાસના સંગીતથી દર્શાવવા લાગી. પાંચમા પ્રવેશમાં રાધાકૃષ્ણનું યમુનાતીરે પરસ્પરલીન સંગીત અને નૃત્ય થયું, અને રાસલીલા સમાપ્ત થઈ. પ્રવેશારમ્ભે અને પ્રવેશાન્તે ભજવાયલા અને ભજવવાના ભાગનાં રહસ્ય સ્પષ્ટ કરવાનું કામ મોહિની કરતી હતી. તે સર્વને અન્તે મોહિનીએ પોતાના આતિથેયનું સુપાત્ર થયેલી મધુરીનું સર્વ સાધુમંડળને અભિજ્ઞાન કરાવ્યું, અને તેની બુદ્ધિ, વિદ્યા, રસિકતા, અને વિપત્તિઓનું દર્શન કરાવવા “માજી, મને કોઈ જોગી મળ્યો ને વાત કરીને વાહી”- એ મધુરીનું જોડેલું ગીત બિંદુમતી પાસે ગવડાવ્યું, અને અન્તે "નંદકો નંદન એક આનંદ દેત હય ” એ ગર્જના કરતું કરતું સર્વ મંડળ લગભગ મધ્યરાત્રિયે છુટું પડ્યું, અને દુષ્ટ અને શ્રુત પદાર્થોની ચર્ચા કરતું કરતું સ્વસ્થાનકેામાં ગયું અને નિદ્રાવશ થયું.