આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮

ચંદ્રા૦- તું હજી મુગ્ધ છે. પણ હું ત્હારો ને તેનો યાગ કરી આપીશ. ત્હારું સ્થૂલ શરીર ત્હારે જેને વશ રાખવું હોય તેને વશ રાખજે, પણ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કામના સ્વામીને વશ કરવું પડશે. તે પછી તે તને સ્વતંત્ર રાખે તો માજીની પાસે આવજે ને તને અસ્વતંત્ર રાખે તો તેની ઇચ્છાને વશ થજે. આમાં તને કાંઈ બાધ નથી. મધુરી, ત્હારે એ મહાત્માને પત્ર લખવો હોય કે સંકેત કરવો હોય કે સંજ્ઞા કરવી હોય કે જે કંઈ ઇષ્ટ હોય તે તૈયાર કરી રાખજે. ત્હારી સૂક્ષ્મતમ વાસના હું સમજી શકી છું, અને તું જાતે નહી ચાલે તો અમે તને ઉચકીને લેઈ જઈશું ને पृथ्वीव्या चः शरणं स तव समीपे वर्त्तते એવું કહી સખીજને શકુન્તલાને દુષ્યન્તને શરણે નાંખી હતી તેમ અમે પણ તને નાંખીશું અને ત્યાં ત્હારું અભિજ્ઞાન કે સત્કાર નહી થાય તો માજીનું મન્દિર ને ચંદ્રાવલીનું હૃદય ત્હારે માટે સર્વદા સજ્જ છે. માટે સમય આપુંછું તેમાં સજ્જ થજે.

ચંદ્રાવલી ઉઠી બ્હાર ગઈ.

બિન્દુમતી તેને થોડે સુધી મુકી આવી ને આવતી આવતી ગાવા લાગી.

૧.[૧]"रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेशम् ।
न कुरु नितम्बिनि गमनविलम्बनमनुसर तं हृदयेशम् ॥
धीरसमीरे यमुनातीरे वसति वने वनमाली
गोपीसूक्ष्मशरीरशोधनचञ्चललोचनशाली ॥०

“મધુરીમૈયા, સૂક્ષ્મશરીરના વિશોધન માટે આવા મહાત્માનો દૃષ્ટિપાત ત્હારા પર થાય તો તે ત્હારે સ્વીકારવો જોઈએ.”

“ચંદ્રાવલી મૈયા, સૂક્ષ્મ પ્રીતિને માટે – પણ અભિસરણ કરું એવી હું નથી –” જાગી હોય તેમ કુમુદ બોલી ઉઠી.

મોહની – ચંદ્રાવલી તો ગયાં. ત્હારું શું મનોરાજ્ય ચાલે છે કે, છે તેને દેખતી નથી, ને નથી તેને બોલાવે છે?

કુમુદ સાવધાન થઈ બોલીઃ “ક્ષમા કરો, મોહની મૈયા. શું ચંદ્રાવલીમૈયા, મને અભિસારિકા કરવી ધારે છે?”


  1. ૧.રતિરસ મનમાં વાંછી વનમાં વિચર્યા હરિ, અલબેલી !
    વિલમ જવામાં કરમાં હાવાં, વાલમને મળ વ્હેલી !
    યમુના-તીરે વનવા ધીરે વાયે ત્યાં વનમાળી
    સૂક્ષ્મ પ્રીતિનો ભોગી નાગર વાટ જુવે તુજ, વ્હાલી !
              ગીતગોવિંદ ઉપરથી (રા.કે. હ. ધ્રુવ ઉપરથી)