આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨


સર૦– તેની ઉદારતા જેમ જેમ આમ વધે છે તેમ તેમ મ્હારી કૃપણતા વધારે વધારે ક્ષુદ્ર લાગે છે, મ્હારો દોષ ક્ષમાને માટે વધારે વધારે અપાત્ર થાય છે, અને મ્હારું પ્રાયશ્ચિત્ત વધારે વધારે દુર્લભ બને છે.

ચન્દ્રા૦– મહાત્મા ! તમારું એ માહાત્મ્ય મ્હારી મધુરી ઉત્તમ રીતે પ્રત્યક્ષ કરે છે અને માટે જ એના હૃદયના ચીર વધારે વધારે દારૂણ થતા જાય છે.

સર૦- હરિ ! હરિ ! હું શું કરું? મૈયા, મ્હોરું પ્રાયશ્ચિત્ત નથી જ.

એની આંખમાં વળી આંસુ સરવા લાગ્યાં.

ચન્દ્રા૦– પ્રીતિતંત્રમાં સ્ખલન પામનારનું પ્રાયશ્ચિત્ત એ જ કે પ્રીતિપાત્ર જનના હૃદયને વશ થવું અને એ હૃદય પ્રીત પ્રસન્ન થાય એવાં થવું.

સર૦– તેના હૃદયમાં પવિત્ર સંસ્કારો જ છે - જેને લીધે મ્હારી આ સ્થિતિથી જ એ હૃદયની પ્રીતિ થશે.

ચન્દ્રા૦- તે તેમ છે કે અન્યથા છે તેનો તો નિર્ણય હજી કરવાનો છે.

સર૦– એમાં શંકા નકામી છે. એ હૃદયની અન્યથાસ્થિતિ અશકય છે.

ચન્દ્રા૦– તમે તમારી હાલની સ્થિતિ એને પ્રસન્ન કરવા સ્વીકારો છો કે તમારા પોતાના હૃદયના ઉલ્લાસથી ?

સર૦– ગુરુજીનો આદેશ છે કે મ્હારે પ્રવાહપતિત સ્થિતિને અનુકુલ ર્‌હેવું.

ચંન્દ્રા - તમારું હૃદય જેવું ઉદાર ઉદાત્ત છે તેવું જ પ્રીતિતંત્રમાં મુગ્ધ છે, મ્હારી મધુરી આ પર્વત ઉપર ચ્હડી આવી તે શું તમને આ સ્થિતિમાં અચલિત જોવાને માટે ? તમારા પૂર્વાશ્રમના મનોરાજ્યનું સ્મરણ કરી, મન મનનું સાક્ષિ છે એમ સમજી, આ પ્રશ્નનો ઉત્તર દ્યો.

સર૦– તે એમ સમજે છે કે હું દુ:ખી છું અને મને દુ:ખી સમજી દુઃખમાંથી મુકત કરવાની વાસનાએ તેને અંહી સુધી પ્રેરી છે.

ચન્દ્રા૦– તે શું તમે દુ:ખી નથી ?

સર૦– એની ક્ષમા મળ્યે મ્હારું દુ:ખ શાન્ત થશે.

ચન્દ્રા - જો તમારું દુઃખ એટલાથી શાન્ત થવાનું હોય તો તમે તેના શરીરના પતિના ગૃહમાં ગયા તે શા માટે ? શું તમે ત્યાં એના દુઃખની મશ્કરી કરવાને માટે ગયા હતા ?