આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૫


સંવાદ [૧]થી , એ હૃદયના તન્તુઓને ક્લેશ પ્હોચે એમ છુટા કરો. એટલે અંતે નવીનચંદ્રજી વિહારપુરીના છત્રરૂપ થશે અને મધુરી ચન્દ્રાવલીની વસ્ત્રકુટીમાં રહેશે, જો ક્લેશ વિના એ તુન્તુ છુટે નહી તો તેમનું પાલન કરવું અને જુદાં જન્મેલાં જીવન તન્તુના શાન્ત સુન્દર પટને સુન્દરગિરિના વિહારમઠના ભૂષણરૂપ કરવા."

સરસ્વતીચંદ્ર હબક્યો.

“મૈયા, ક્ષમા મેળવવાને એ જ માર્ગ લેવો પડે તે નવીનચન્દ્ર વશે કે કવશે તેને માટે સજજ થાય એમ ધારો, પણ મધુરીનું પોતાનું હૃદય, એને એના પતિ ઉપરનો પ્રેમ, અને એ પતિ પ્રતિનો એને પતિવ્રતાધર્મ – એ ત્રણ વાનાં શું આ માર્ગને અનુકૂળ છે ?”

ચન્દ્રા૦- એ વિચાર કરવાનો મધુરીને છે – તમારે નથી."

સર૦– એને પુણ્યમાર્ગે પ્રેરવી એ મ્હારી પ્રીતિનો પ્રધાન અભિલાષ છે.

ચન્દ્રા૦– હું જાણી પ્રસન્ન - અતિપ્રસન્ન છું. તમારી બેની પ્રીતિ ચંદ્ર અને કુમુદના જેવી પરસ્પરશરીરને દૂર રાખનારી પણ દૃષ્ટિસંયોગ અને મનઃસંયોગનું રક્ષણ કરનારી છે. એવી સૂક્ષમ પ્રીતિને માટે જ તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રચવાની અમ સાધુજનોની યોજના છે. તમારાં સ્થૂલ શરીરને અસક્ત ર્‌હે કે સકત ર્‌હે તેમાં અમે ઉદાસીન છીયે.

સર૦- કારણ ?

ચન્દ્રા૦- અમારા ન્યાયથી તો તમે એના મન્મથાવતારે વરાવેલા શુદ્ધ એક પતિ છો, અને એના શરીરના પતિને તો અમે જાર ગણીયે છીએ.

સર૦– સંસારની ભાવના એથી વિપરીત છે.

ચન્દ્રા૦– હા, અમારી અને સંસારની ભાવનાઓમાંથી તમારી ઇચ્છા હોય તેને સ્વીકાતો ને ઇચ્છા હોય તેને ત્યજો. એમાં અમારે ઉદાસીનતા છે. સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ કામ તૃપ્ત થશે તો તે જ પરમ અલખને જગવનાર થાય છે. સ્થૂલ કામ તે માત્ર સાધનરૂપ છે - તેના વિના ફળ પ્રાપ્ત થાય તો અમારે એ કામ ઉપર પક્ષપાત નથી.


  1. ૧. બે જણના પ્રયત્ન પ્રતિ પ્રયત્નની એકફળતા युगपदनेकार्थसिद्धिरपि द्दश्यते। यथा मेषयोरभिघाते कपित्थयोर्भेदे मल्लयोर्युद्धे तेनोभयोरपि सदृशी सुखप्रतिपत्तिः।।
    जातेरभेदाद्दम्पत्योः सदृशं सुखमिष्यते ।
    तस्मात्तथोपचर्या स्त्री यथाग्रे प्राप्नुयाद्रतिम्।। (કામતંત્ર.)