આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

આ ઉપરથી સિંહના બચ્ચાંઓના સહવાસને વાસ્તે પોતાને અયોગ્ય ગણી ઉંટ ત્યાંથી ન્હાસી ગયું. હું ગમે તેવો પ્રયત્ન કરું છું તોપણ કુલીન સંસ્કારો મ્‍હારામાં આવતા નથી, મ્‍હારા ઉપર ઉપકાર કરનાર કુલીન જનોનું હું મ્‍હારી ગ્રામ્ય રીતિથી અપમાન કરી બેસું છું, અને તેમને જે ઉચ્ચ આચાર સહજ છે તેનો વિચાર થતાં પણ મને વાર લાગે છે, એમ છતાં વિચાર થાય છે ને તે પ્રમાણે આચાર કરવા જઉં છું તો હાથમાં આવેલું પક્ષી ઉડી જાય છે. માટે મ્‍હારે પણ ઉંટની પેઠે જવું એમ વિચાર થાય છે.”

ગુણસુંદરી હસીને બોલી: “પણ તમારા ભાગ્યમાં તો ઉંટનું સદ્દભાગ્ય પણ નથી. ઉંટ સિંહગૃહ મુકી ઉંટોમાં ગયું, પણ તમે તો સરસ્વતીચંદ્રનો સહવાસ શોધવા જાવ છો. એટલે ઉંટનું દૃષ્ટાંત પણ બેઠું નહી. ”

“એનામાં એક ગુણ એવો છે કે જેમ જેમ મ્‍હારી છુટી જીભની ગ્રામ્યતા એ વધારે વધારે અનુભવે છે તેમ તેમ મ્‍હારા ઉપર વધારે વધારે પ્રીતિ રાખે છે; અને એની પ્રીતિ વધે છે એટલે મ્‍હારું ચિત્ત અવશ થઈ એની પાછળ ભટકે છે, ગુણસુંદરી બ્‍હેન, એ ગ્રહની પાછળ હું ઉપગ્રહ પેઠે ભટકું છું – તે મ્‍હારી ઈચ્છાથી નહી પણ એના આકર્ષણથી. ગંભીર અને નરમ બની જઈ રંક મિત્ર બોલ્યો.

ગુણસુંદરીને એની દયા આવી.

“ચંદ્રકાંતભાઈ, જે ચંદ્રના તમે આટલા કાંત છો એ ચંદ્રના કાંતને હાથમાં આવેલા અમે જવા દેઇએ તો અમે પણ એ ચંદ્રનાં કિરણને અયોગ્ય જ ઠરીએ. શું તમે એમ ધારો છો કે સરસ્વતીચંદ્રને માટે મ્‍હારું હદય બળતું નથી?” આટલું બોલતાં બોલતાં ગુણસુંદરીની આંખમાં અાંસુની ધારા ચાલવા લાગી, અને એનો સુંદર હસ્ત એ અાંસુ લ્‍હોવા જતાં જાતે જ એ આંસુથી ન્‍હાવા લાગે અને હસ્તકમળ ઉપર ઝાકળના વર્ષાદ પેઠે અાંસુ દીપવા લાગ્યાં.

ચંદ્રકાંતનું હૃદય ઓગળ્યું. ચતુર સ્નેહાળ પદ્મિનીનાં વચનામૃતથી આ હૃદયમાં નવો જીવ આવ્યો, અને સરસ્વતીચંદ્રના શોકમાં કુમુદસુંદરીની માતાને પ્રત્યક્ષ ભાગ લેતી જોઈ ચંદ્રકાંત પોતાને પોતાનાજ કોઈ અવનવા કુટુંબમાં અવતરેલો અને ઉભેલો ગણવા લાગ્યો.

ગુણસુંદરી આગળ બેાલવા લાગી.

“ચંદ્રકાંત ભાઈ, હું પુત્રવિનાનીને ઈશ્વરે સરસ્વતીચંદ્ર જેવો ઉત્તમ પુત્ર આપેલો મ્‍હારા દુર્ભાગ્યથી ખોવાયો, રંક અને ભાગ્યહીન કુમુદનો