આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૫


“નવીનચંદ્રજી, પૂર્વ જન્મના પુણ્ય કર્મથી હાલની સદ્વાસનાઓને, સદ્વૃત્તિઓને, અને જ્ઞાનને પ્રાપ્ત થયા છો તે જ સત્કર્મની પરિપાકદશા આ જન્મમાં પામશો અને આ જન્મમાં યોગભ્રષ્ટ થશો તો આવતા જન્મમાં પામશો. પડવાના ભયથી બાળક ચાલતાં શીખવાનું છોડી દેતું નથી પણ પડી પડીને ઉઠે છે તે તેથી જ ચાલતાં શીખે છે. જે ભયથી તમે ડરો છો તે જ તમને કાળે કરીને તમારી ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરાવશે. સંસાર માત્ર છોડી મુકેલા બાણની ગતિ જેવો છે તે અલખની ઇચ્છાથી વેગ બંધ પડતા સુધી ગતિમાંથી વિરત થતો નથી અને વેગ સમાપ્ત થતાં ગતિ કરતો નથી. સદ્વાસનાનો સંસાર પણ આવે છે તે તમને ફળ દીધા વગર શાંત નહી થાય અને ભયથી ડરો છો તે મિથ્યા છે.”[૧]

સર૦- આ પ્રમાણે થશે એવી શ્રદ્ધા તો દૃઢ થાય ત્યારે ખરી.

ચન્દ્રા૦- અવશ્ય એમજ. પણ

"[૨]आविर्भूतज्योतिषां योगसिद्धाः
ये व्याहारास्तेषु मा संशयोभूत् ।
भद्रा ह्येषां वाची लक्ष्मीर्निषक्ता
नैते वाचं विप्लुतां व्याहरन्ति ॥

“જે યોગદૃષ્ટિને પરમ અલક્ષ્ય લક્ષ્ય થાય છે તેને પૂર્વાપર જન્માવસ્થા લક્ષ્ય થાય તેમાં શી નવાઈ છે ? નવીનચંદ્રજી, તેવું લક્ષ્ય તમારે પ્રત્યક્ષ કરવું હોય તો તેટલો યોગ સાધો. તમને પણ યોગસિદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાની અપેક્ષા વિના તે વસ્તુ જોઈ શકશો કે જેને માટે આજ તો તમારે શ્રદ્ધા જ આવશ્યક છે. એ શ્રદ્ધા વિના જાતે શું જોવું ને કેમ જોવું તેનો માર્ગ ગુરુજી દેખાડશે.”


  1. * જૈન સંપ્રદાયમાં પણ સત્પુરૂષોની ઉર્ધ્વગતિ માની છે, ચંદ્ર પ્રભાચરિ-તમાં કહ્યું છે કે:-
    क्षीणकर्मा ततो जीवः स्वदेहाकृतिमुद्वहन
    ऊर्ध्व स्वभावतो याति वन्हिज्वालाकलापवत् ॥
    लोकाग्रं प्राप्य तत्रासौ स्थिरतामवम्लवते
    गतिहेतोरभावेन धर्मस्य परतो गतिः ॥
  2. ૧. જેને પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે તેવા મહાત્માએાનાં વાક્યયોગસિદ્ધ હોય છે. તેમાં સંશય ન કરવો, કારણ એમની વાણીમાંજ મંગલ લક્ષ્મી સિદ્ધિરૂપે વળગેલી ર્‌હે છે. તેઓ જેવી તેવી એટલે અસત્યનીવડે એવી વાણી બોલતા નથી. ( ઉતરરામ ઉપરથી.)