આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬


સર૦– [૧] मुक्तबांणगतिप्रायः संसारस्तु शरीरिणाम् એ મંત્રનું દૃષ્ટાંત આ યોગભ્રષ્ટ જનના પુનરાવર્તનમાં હશે.

ચન્દા૦- એમ જ. દ્વા સુપર્ણા[૨] આદિ શ્રુતિ છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી ક્‌હેલાં છે. સંસારસમષ્ટિ [૩] જેવા ઈશનો ઉપાધિ છે તેમ વ્યષ્ટિ [૪]ના સંસાર અનીશના ઉપાધિ છે. બાણની ગતિ જેવા એ સંસાર ગણવા, બાણ જેવાં સંસારીનાં ને સંસારનાં નામરૂપ ગણવાં, ધનુષ્ય જેવું પ્રથમ અવતારમાંના જન્મનું કારણ અલખના વાસનાસ્વરૂપને ગણવા, અને એ સ્વરૂપની શક્તિને મુક્તિ ગણવી. એ ઉપાધિથી ઉપહિત ઈશ અભેાક્તા છે ને અનીશ ભોક્તા છે. જ્યાં સુધી બાણની ગતિ છે ત્યાં સુધી ભોક્તાની ભુક્તિ છે. અનીશ યોગથી ઈશની સાથે સામ્ય પામે ત્યાં સુધી તેના ભોગસંસાર પ્રવાહરૂપ ધરે છે ને એ વાસના સ્વરૂપ શાન્ત થાય એટલે પ્રવાહરૂપ પણ શાંત થાય. જે યોગભ્રષ્ટ થયા વિના સંસિદ્ધ થાય છે તેમની બાણગતિ ત્વરિત હોય છે ; યોગભ્રષ્ટની ગતિ વધારે કાલ ટકે છે પણ ત્વરિત હોય છે; પામર જીવની ગતિ મન્દ મન્દ પુનરાવર્તન પામનારી હોય છે. એવા જીવ

[૫]नद्यां कीटा इवावर्तादावर्त्तान्तरमाशु ते
व्रजन्तो जन्मनो जन्म लभन्ते नैव निर्वृतिम् ॥

“સંસારકર્મનો પરિપાક થતા સુધી તેમની આ દશા ર્‌હે છે, પ્રવાસીના પગ સ્વગ્રામ આવતાં ત્વરિત ઉપડે છે તેમ કર્મપરિપાક પામનારની ગતિ પણ ત્વરિત થાય છે અને તેથી જ યોગભ્રષ્ટ કે યોગસિદ્ધ ઉભયની ગતિ ત્વરિત છે. એ ગતિની ત્વરા વધે તેમ તેમ એના ભોગ સૂક્ષ્મતર થાય છે અને હોલાતી વાટ હોલાતાં હોલાતાં અતિશય પ્રકાશ ધરે છે તેમ તેમ આ ભાગ સૂક્ષ્મતમ થાય છે ને તેમ થાય ત્યાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થયું ગણવું અને તેમાંથી વાસનાક્ષય થાય છે. માટે નવીનચંદ્રજી, યોગમાંથી ભ્રષ્ટ થનારના ભોગ પણ કલ્યાણકારક છે એવો અલક્ષ્યાલક્ષ્યનો એક સિદ્ધાંત છે, વિષય જેમ વિષયીને ખેંચે છે તેમ સદ્વસ્તુના પૂર્વાભ્યાસમાં પણ એવી શક્તિ છે કે સાધુઓ તેનાથી ખેંચાય છે. ह्रियते ह्यवशो हि सः II એક વૃક્ષ ઉપર ઈશ ને અનીશ ઉભય છે, ભોગી અનીશ અને સાક્ષી


  1. ૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૦૦.
  2. ૧. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૨૫.
  3. ૩. The macrocosm
  4. ૪. The microcosm.
  5. પ. નદીમાં એક વમળમાંથી બીજામાં કીડાઓ ત્વરાથી જાય તેમ તેઓ એક જન્મમાંથી બીજામાં જતા નિવૃતિ પામતો જ નથી; પંચદશી