આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫

મ્હારા હૃદયના ઉદ્ગાર સત્ય માનીને, કે આપની ઉદાર દક્ષ બુદ્ધિની પ્રેરણાથી, મ્હારી રંક વિજ્ઞપ્તિ સ્વીકારો. વધારે ક્‌હેવાની મ્હારામાં શક્તિ નથી. સત્યનો બલવત્તર બોધ કરવા જેટલું મ્હારામાં જ્ઞાન નથી, ધર્મનું શુદ્ધતર તારતમ્ય ક્‌હાડવાની મ્હારામાં બુદ્ધિ નથી, રસરહસ્ય વધારે પ્રદીપ્ત કરવાનો આ હૃદયનો અભ્યાસ ઘણા કાળના વૈરાગ્યથી કટાઈ ગયો છે, અને મ્હારા હૃદયને ને મ્હારી પ્રવૃત્તિને આશ્રય આપી શકનાર વિહારપુરી આપનું અનુચરત્વ કરે છે તે આપની પાસે આવા વિષયમાં પ્રવૃત્ત થાય એવું ઇચ્છવાનો મને અધિકાર નથી. નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઉભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતાં શરમાતી નથી.”

આટલું બોલતાં બોલતાં ચન્દ્રાવળી ગળગળી થઈ ગઈ. તેના નેત્રમાં આંસુ ભરાયાં. દાંત ભીડી, ઉંચે શ્વાસે, ઉંચી આંખે, હાથ જોડી તે ઉભી રહી. અનેક વિચારો અને વૃત્તિયોથી અમુઝાતો સરસ્વતીચંદ્ર પળવાર વિચારમાં પડી ઉત્તર શોધવા લાગ્યો. ત્યાં ચન્દ્રાવલીના હૃદયનો ઉત્કમ્પ સ્પષ્ટ દેખાયો, ભરાયલાં આંસુ ગરવા લાગ્યાં, ઓઠ ઉઘડવા લાગ્યા.

“સાધુજન ! વિહારપુરી વિના બીજા કોઈ પુરુષના સામું આ આંખોએ આજ સુધી ઉંચું જોયું નથી તે તમારા મુખચન્દ્રની મધુર દયાદ્રતાનો પ્રકાશ જોતી ઉભી છું. મને શી આજ્ઞા છે ?”

સરસ્વતીચન્દ્ર હજી વિચારમાં જ હતો – એનાં નેત્ર એના હૃદય સામે વળ્યાં હતાં.

“સાધુજન, શી આજ્ઞા છે?” ફરી ચંદ્રાવલીએ પુછયું.

સરસ્વતીચંદ્ર ચમકી ઉઠ્યો હોય તેમ એણે અચીન્તયું ઉંચું જોયું. નીચેથી ઉંચું જોયું તેટલામાં એની આંખમાં આંસુ આવી પણ ગયાં ને સુકાઈ પણ ગયાં. અતિનમ્ર વદનકાન્તિ કરી, હાથ જોડી તે બોલ્યો.

"મૈયા, મને પુત્ર જાણ્યો ને પુત્રને ઉપર જે ક્ષમા, વત્સલતા, અને ઉદાર ચિન્તાવૃત્તિ માતા રાખે તેવી આપે મ્હારા ઉપર રાખી. માતાજી, આપની આજ્ઞા તોડવાનો મને અધિકાર નથી. શુદ્ધિ અને બુદ્ધિનો સમાગમ યોજી જે સૂક્ષ્મ ભેદવાળી યોજના આપે આટલી આટલી દીર્ધ દૃષ્ટિથી રચી છે તેને હું અનુકૂળ થઈશ, અને જે મધુરીને આપ મ્હારી ક્‌હો છો, તેનું અભિજ્ઞાન થશે તો તેના કલ્યાણનો માર્ગ તેને દર્શાવીશ.”