આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

ઉપર પાછળ લટકતો લેઈ, નાળના મૂળ આગળનો છેડો પોતાના કરકમળમાં એવી રીતે રાખ્યો હતો કે નાળને બે છેડે કમળપત્ર હોય એવી ભ્રાંતિ પળવાર થાય. એના બીજા હાથમાં એક પુસ્તક હતું અને પુસ્તકનાં પાનાં વચ્ચે આંગળી રાખી હતી.

તરંગમાં રમતી રમતી કુસુમ સર્વની વચ્ચે આવી ઉભી. ઉભેલાં માણસો કાંઈ કામ-કાજ કરતાં ન હોય અને તેમની વાતોમાં વિઘ્ન થવાનો સંભવ જ ન હોય તેમ, સૂર્ય આકાશમાંથી તાપનું વમન કરતા હોય તેવી વેળાએ તાપને તાપનું કામ કરવા દેઈ અચીંતી ઝરમર ઝરમર વૃષ્ટિ થાય તેમ, માતા અથવા કાકી બેમાંથી એકના ઉપર પણ દૃષ્ટિ ન નાંખતી, માત્ર ચંદ્રકાંતને જોતી, બાલિશ બાલકી, જેવી અંદર આવી તેવી જ એને ક્‌હેવા લાગી.

“ચંદ્રકાંતભાઈ આજ તમારું કામ પડ્યું છે. સરસ્વતીચંદ્ર અંહી આવ્યા હતા ત્યારે તેમનું રચેલું આ પુસ્તક મને આપી ગયા હતા. એમણે એક નવીન કવિતા જોડેલી હતી તે છાપેલી ન હતી, પણ એક કાગળના કડકા ઉપર લખેલી હતી અને તે કાગળ મ્‍હારા વાળા પુસ્તકમાં ભુલથી રહી ગયો હતો. કુમુદબ્‍હેન સુવર્ણપુર જતાં પ્‍હેલાં મને એ જડ્યો હતો અને એમને દેખાડ્યો હત તો એ મને એ કવિતાનો અર્થ સમજાવત, પણ એ વાંચ્યાથી બ્‍હેનને વેદના થશે જાણી મ્‍હેં એમને કાગળ આપ્યો નહી. અર્થ સમજવા સારુ એ કવિતા તમારી પાસે આણી છે.”

“લાવો જોઈએ ” કહી ચંદ્રકાંતે પત્ર લીધો અને મિત્રના હસ્તાક્ષર જોઈ મિત્રનાં જ દર્શન થયાનો અનુભવ કરી, તેમાંની કવિતા વાંચી, એ ગળગળો થઈ ગયો. “ હરિ ! હરિ !” કહી, મ્‍હોં ઉપર હાથ ફેરવી, મુગ્ધાને ક્‌હેવા લાગ્યો.

“કુસુમબ્‍હેન, હું અર્થ સમજાવું. પણ પ્‍હેલી સરત એ કે તમારે એ કવિતા ગાવી, અને બીજી સરત એ કે તમે એમાંથી જાતે કેટલું સમજ્યાં છો તે કહી બતાવો તો બાકીનો અર્થ સમજાવું ગુણસુંદરી બ્‍હેન, મ્હારા મિત્રને આ કવિતા પ્રિયતમ હતી – એના જીવનનો સાર આમાં છે.”

ચંદ્રકાંતે પત્ર ગુણસુંદરીને આપ્‍યો, ગુણસુંદરી તે વાંચવા લાગી, અને ઉત્સુક કુસુમની અધીરાઈ હાથમાં ન રહી.