આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૧

માની લખ સંયોગોમાં અલખ પરમાર્થ જોવા શીખતાં મને પોતાને ઘણો કાળ લાગ્યો હતો, અને શંકાપુરી તે ગિરિરાજ ઉપર નવા જ છે. તેમની અને નવીનચંદ્રજીની દૃષ્ટિઓને સરખાવી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ સમજી લ્યો ! જ્ઞાનભારતી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ એક દિશામાં ઇચ્છે છે; હું બીજી દિશામાં ઈચ્છું છું, એમના ચિત્તમાં એક માર્ગ છે. મ્હારા ચિત્તમાં બીજો માર્ગ છે. મ્હારા માર્ગનું ફળ નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવાથી આવે છે. જ્ઞાનભારતીના માર્ગનું ફળ પણ એ જ આવે છે. મ્હારા હાથમાંનાં રજજુમાં શંકાપુરીને આ ધર્મસાદૃશ્યથી સર્પની ભ્રાંતિ થઈ.

શંકા૦– ભલે તેમ હો. પણ જે જ્યોતિઃશાસ્ત્ર પ્રમાણે આપનો ઉદ્દેશ ગ્રહયોગથી જ ફળે એમ છે તો આપે આટલી પણ પ્રવૃત્તિ શા માટે કરવી ? તેના પ્રારબ્ધમાં હશે તે થશે એમ માની તટસ્થ કેમ ન ર્‌હેવું ?

શાંતિ૦- ગુરુજી, પણ નવીનચંદ્રજીને અને મધુરીને એક સ્થાનમાં રાખવાનું તો આપને પણ સંમત છે – તે પછી આપના અને જ્ઞાનભારતીના માર્ગ જુદા કેમ ?

વિષ્ણુ૦– શંકાપુરી, જ્યોતિઃશાસ્ત્રથી મનુષ્યની ગતિ અને ઈશ્વરેચ્છાના માર્ગ પ્રકાશમાં આવે છે; તેનાથી મનુષ્યના ધર્મ નષ્ટ થતા નથી. નવીનચંદ્રજીનું શરીર જંગલમાંથી અને અંધકારમાંથી ગ્રહોના નાડીચક્રના વેગથી આપણા હાથમાં આવ્યું અને આપણે તેના સમાગમના નિમિત્ત થયા. ફલાદેશે સ્પષ્ટ કર્યું કે એ શરીર આપણું અલખ કાર્યમાં રત્નરૂપ થશે. એ પુરુષના અનુભવથી અને પરિચયથી આપણે તેની અમૂલ્યતા અને તેના શુદ્ધ સિદ્ધ સંસ્કાર પ્રત્યક્ષ કર્યા, અને તેના તેજનો ચમત્કાર દીઠો. કાઈપણ અલખ–સ્ફુલિંગની દીપ્તિને પૂર્ણ સાકાર કરવા અને તેના શુભ સંસ્કારને સૂક્ષ્મ કરવા એટલો તો અલખ-મઠને સામાન્ય ધર્મ છે- કે જેને બળે તમે અને શાંતિદાસ આ સાધુજનોની ક્ષમાના અને આશ્રયના ગ્રાહક થઈ શક્યા છો. તો નવીનચંદ્રજી જેવા તેજસ્વી મનસ્વી સ્ફુલિંગની જ્વાલાઓને જગાડવાને તો આ મઠ જે કરે તે ઓછું છે, એ જ્વાલાઓના જાગવાથી જો આ મઠનું કલ્યાણ જ થતું હોય અને તે જ્વાલાઓની મધ્યે ઉભા રહી સર્વે સાધુજન જ્વાલામાલી જેવા થઈ જતા હોય તો તો તેમ કરવા પ્રયત્ન કરવો એ આપણો અનિવાર્ય ધર્મ છે અને ગ્રહોનો ફલાદેશ એ ધર્મદીપમાં તૈલ પુરે છે, જે ફલાદેશની સિદ્ધિએ આપણને આ રત્ન આપ્યું તે જ ફલાદેશ આપણે શિર આ ધર્મ મુકે છે.