આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૯

સિદ્ધ-દર્શન કરીશ, અને મ્હારા અને નવીનચંદ્રજીના ચિદ્ધાતુ જેટલા સંગત હશે તેટલા પ્રમાણમાં, જે સિદ્ધોને હું જોઈશ તેને એ પણ કંઈ જોશે. જે વિષયોમાં હું આ શરીરે નવીનચંદ્રજીની જિજ્ઞાસાને અને વાસનાને શાંત કરવા શક્ત નથી તેને એ સિદ્ધ પુરુષો શાંત કરશે. બીજું કાંઈ નહી થાય તો એ દર્શનથી ઋતંભરા[૧] પ્રજ્ઞાનાં બીજ એમના હૃદયમાં પડશે.

વિહાર૦– ઈંગ્રેજી વાસનાને સિદ્ધજન શું કરશે?

વિષ્ણુ૦- યમદ્વારની પેલી પાસ સત્પુરૂષોનાં સૂક્ષ્મ શરીર સાર્વભાષિક સિદ્ધરૂપે જીવે છે અને તેમાં આર્ય-અનાર્યનો ભેદ નથી. જે સિદ્ધરૂપ નવીનચંદ્રજીને અભિમત હશે તે જ એમને પ્રત્યક્ષ થશે, એમના ચિત્તસરોવરમાં નિર્મળી[૨] નાંખી હોય તેમ આ દર્શનથી તેમાંનાં સર્વ લીલ અને મળ છુટાં પડશે, તેમની સર્વ શંકાઓનું સમાધાન થશે, અને સૂર્યના પ્રકાશથી અન્ધકાર નષ્ટ થાય અને સદ્વસ્તુઓ દૃષ્ટ થાય તેમ નવીનચંદ્રજીના ચિત્તમાં તેમની યોગ્યતા પ્રમાણે થશે.

જ્ઞાન૦– આપની શક્તિ તેમના કરતાં અનેકધા વિશેષ છે; આપ જાતે જીવનમુકત છો અને આવા સાહસ વિના તૃપ્ત, કૃતકૃત્ય, અને મુક્ત છો. જેમ આપે સર્વ વિદ્યાને સંપાદિત જાતે કરી તેમ એ ભલે કરે, પણ આમ હઠદાન કરવાનું કારણ શું ? એ મહાસાહસ આરંભવા જેવું ફળ દેખાતું નથી.

જાનકી૦– નવીનચંદ્રજીને ગ્રહયોગ જ સિદ્ધ છે તો આપનું આ અતિસાહસ નિરર્થક છે.

વિહાર૦– જી મહારાજ, આપને અને એમને ઉભયને મોક્ષવસ્તુ જ્ઞાનસાધ્ય છે તો તે ટુંકો માર્ગ મુકી કેવળ સાધનરૂપ યોગસિદ્ધિના વિકટ માર્ગ અન્ય મિથ્યાપ્રપંઞ્ચ જેવા લાગતા નથી?

વિષ્ણુ૦- જો આટલું કર્તવ્ય હોય તો સાહસ અસાહસનો વિચાર કર્તવ્ય નથી. કેવળ પરમ અલક્ષ્ય તત્વનો વિચાર કરીયે તો, વિહારપુરી, તું જે ક્‌હે છે તે જ સત્ય છે પણ જો એ અલક્ષ્યના લક્ષ્ય સ્વરૂપના ધર્મ વિચારીયે તો જે ન્યાયે કૃષ્ણપરમાત્મા પાણ્ડવોના સાધનભૂત થતા હતા તે જ


  1. ૧. ઋતંભરા પ્રજ્ઞાનું વર્ણન હવેના પ્રકરણમાં આવશે.
  2. ૨. જળમાંથી કચરો નીચે બેસાડવાને અને તે ઉપર નીતરી રહેલું પાણી નિર્મળ કરવાને માટે નિર્મળી નામનો પદાર્થ પાણીમાં નાંખવાનો કાશીમાં પરિચય છે.