આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૬

સહિત ચન્દ્રાવલી, અને બે હારોને શિરેભાગે શ્વેતજટાધર તેમ વય અને યોગસાધનથી જર્જરિત થયેલાં હાડકાંના પઞ્જર જેવા પણ તેજસ્વી વિષ્ણુદાસઃ વચ્ચે હિમાલય અને ત્યાંથી નીકળતી ગંગાયમુનાના પ્રવાહ જેવો આ સમાગમ સરસ્વતીચંદ્રને દર્શનીય લાગ્યો, પણ એ પ્રવાહો પાસે ક્‌વચિત, ગુપ્ત સરસ્વતીગંગા જેવી કુમુદસુંદરી ભણી એની આંખ જેવી ત્વરાથી જતી તેવીજ ત્વરાથી ત્યાં આગળથી પાછી ફરતી. વીજળીના ચમકારાની પળમાં પ્રવાસી પોતાના માર્ગનાં બે પગલાં શોધી લે એમ આટલા દૃષ્ટિપાતની પળમાં કુમુદસુંદરીની દૃષ્ટિ એ દૃષ્ટિપાતની પ્રેરકવૃત્તિ જોઈ લેતી હતી. ચન્દ્રાવલી આ વેળા વિષ્ણુદાસને ઉત્તર દેતી હતી.

“ગુરુજી, આપની કૃપા એજ સાધુજનનો સત્કાર છે. આ મધુરી મ્હારી દુલારી તેને ગિરિરાજ ઉપર મ્હેં આવવા દીધી ખરી, પણ હૃદયની ચિન્તાએ મને એની પાછળ આણી. હું આવી આપનાં અને આપના આશ્રમનાં દર્શન કરાવવાનો લાભ પણ એને આપવો ઉચિત લાગ્યો. અને એ નિમિત્તે આપનો જે જ્ઞાનવિનોદ ચાલતો હોય તેનાં સાક્ષી થવાનો અમને સર્વને લાભ આપો અને સાધુજનોને મળતા એ મહાલાભમાં અમે વિઘ્નરૂપ ન થઈ એ માટે આપની ચર્ચા ચલાવવાની કૃપા કરો.

વિહારપુરી: “ જી મહારાજ, નવીનચંદ્રજીના પ્રશ્નોના સમાધાનનો પ્રસંગ ચાલે છે તે તો આ સર્વને સવિશેષ પ્રિય થશે,”

જે પ્રસંગ અંહી મળે છે તેમાં સાધુજનો ન્હાનાં મ્હોટાં સર્વ સત્ય વચન જ ઉચ્ચારે છે એ ઉચ્ચારમાં વક્રવાણી વિનાનો ચાતુર્યવિલાસ અને વિનીત મધુરતા જેટલાં અક્ષરે અક્ષરે ઉભરાય છે તેટલાંજ લજજાશીલ સ્પષ્ટતા અને અહંકારશૂન્ય સિદ્ધાન્તવાદમાં કોઈ પાછું પડતું નથી. बोद्धारो मत्सरग्रस्ताः[૧] ક્‌હેનાર ભર્તુહરિ બીચારો નિમ્ન દેશના સંસારમાં ભટક્યો હશે અને આ સ્થાનને અપરિચિત રહ્યો હશે.” સરસ્વતીચન્દ્રના હૃદયમાં આ વિચાર દીપ્ત થયા અને વિષ્ણુ દાસનો ઉદ્રાર સાંભળી શાન્ત થયા.

વિષ્ણુ૦– “નવીનચંદ્રજી, સંસારને માટે મનુઆદિમહાત્માઓએ ધર્મશાસ્ત્ર રચેલાં છે તેમ સાધુજનોને માટે અલક્ષ્યસિદ્ધાંતકારે


  1. જેઓ વિદ્વાન છે તેને મત્સરે ખાધા છે !