આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૮


અતિથિતુલ્ય ગણવાનો કૃતજ્ઞ ધર્મ પ્રાપ્ત થાય છે, તેઓ આકારક[૧] અતિથિ છે, અને બીજા અતિથિઓ આગન્તુક હોય છે. આવાં આકારક અતિથિની તૃપ્તિને માટેનો યજ્ઞ તે પિતૃયજ્ઞ જ છે, પણ સાધુજનોમાં પિતા અને અન્ય સાધુઓનો સરખો જ સત્કાર કરવામાં આવે છે અને સર્વને અધ્યાત્મ દૃષ્ટિથી જોવામાં આવે છે, માટે આપણે ત્યાં આ પિતૃયજ્ઞના ધર્મને મનુષ્યયજ્ઞમાં જ સમાસ કરેલ છે. જેવી રીતે માતાપિતા આકારક અતિથિ છે તેમજ જ્ઞાતિમાં, માતૃભૂમિ એટલે સ્વદેશમાં, અને સર્વ વસુંધરામાં, જે જે મનુષ્યસંઘ વસે છે તે સર્વે સાધુજનોના આકારક અતિથિ છે અને માતાપિતા જેવાં જ પિતૃયજ્ઞનાં અધિકારી છે. આપણે ત્યાં તેનો પણ મનુષ્યયજ્ઞમાં સમાસ કરેલ છે. જાતે આવેલા અતિથિમાં કેટલાકને આપણે પોતે આમન્ત્રણ કરેલું હોય છે તે આમન્ત્રિત અતિથિ છે. પુત્રપુત્રીઓ આવાં અતિથિ છે. પત્ની પતિ પાસે આવે છે અને પતિ પત્ની પાસે આવે છે. સંસારી જનોમાં સંવનન અને પરિશીલન શૂન્ય થયાં છે અને આપણા સાધુજનોમાં ર્‌હેલાં છે. સાધુજનોમાં નક્ષત્રયોગના બળથી, પરસ્પર નાડીચક્રોના વેગથી, અને મન્મથાવતારના ઉદયથી, આકર્ષાઈ દમ્પતી અયસ્કાન્ત[૨] અને અયોધાતુ[૩] પેઠે પરસ્પર જોડે ત્રસરેણુક અદ્વૈત પામે છે. એવા અદ્વૈતમાં અતિથિભાવ આવતો નથી. દમ્પતીનો ધર્મસહચાર આવા અદ્વૈતથી જ થાય છે. સંસારીયોમાં એક કાળે આવા વિવાહ થતા ત્યારે ધર્માર્થકામમોક્ષ સર્વમાં આ અદ્વૈત સહચાર થતા. આપણા સાધુજનોએ પુરુષાર્થના શેાધનની ઉપેક્ષા કરી છે અને માત્ર પઞ્ચયજ્ઞને જ સાધે છે. તેમનામાં દમ્પતીભાવ તે આ યજ્ઞને માટે જ અદ્વૈત છે. જેમ લખમઠની તૃપ્તિ માટે સર્વ સાધુજનો અનામન્ત્રિત સમાગમ રચી સર્વ પોતપોતાના ભણીની ક્રિયાઓમાં પ્રવર્તે છે અને એ ક્રિયાઓની સંગત પ્રવૃત્તિઓથી મઠકાર્ય સધાય છે, જેમ સંસારી જ્ઞાતિભોજનકાળે પરસ્પર સાહાય્ય આપી સર્વના ભોજનસમારમ્ભ પાર ઉતારે છે, તેમ અદ્વૈતસહચારી દમ્પતી પરસ્પર સામર્થ્યથી, પરસ્પર સાહાય્યથી, પરસ્પર અભિલાષથી, અને પરસ્પર પ્રવૃત્તિથી, સર્વાંગી સૂક્ષ્મ અદ્વૈતયોગવડે, પાંચે


  1. आकुरते स्वार्थे इत्याकारक: । પોતાના અર્થને માટે યજમાનને બોલાવે ને પોતે અતિથિ થાય તે આકારક, આમન્ત્રણ કરનાર
  2. ૨. લોહચુમ્બક
  3. ૩. લોહ