આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૧

પાળવા યોગ્ય છે. બાકી પ્રીતિયજ્ઞમાં તો સંકલ્પ જ નિત્ય સૂક્ષ્મ સંબંધનો હોય છે તેમાં સૂક્ષમ શરીરનો વિયોગ કે ત્યાગ સંભવતો નથી. એ યજ્ઞમાં યોગ્યાયોગ્યતાનો વિચાર પ્રાપ્ત થતો નથી. તેમજ આમન્ત્રિત અને આકારક અતિથિની યોગ્યતાનો વિચાર પણ પ્રાપ્ત થતો નથી. આમન્ત્રિતની યોગ્યતા વિચારવી હોય તો આમન્ત્રણ કરવા પ્હેલાં વિચારવાની છે; આમન્ત્રણ પછી આ વિચાર અધર્મ્ય છે. આકારક અતિથિ માતાપિતાદિની યોગ્યતા તો અવિચાર્ય જ છે. એ વિચાર તો માત્ર આગન્તુક અતિથિનો સત્કાર કરતાં જ કરવાનો છે. જે આગન્તુક અતિથિ વિદ્વાન અથવા સાધુપ્રકૃતિ નથી તેને સાધુજન મનુષ્યયજ્ઞમાંથી દૂર કરી તેનો માત્ર ભૂતયજ્ઞમાં સમાસ કરે છે."

[૧]“ शुनां च पतितानां च
“ श्वपचां पापरोगिणाम् ।
“ वायसानां कृमीणां च
" शनकौनिंवपेद्भुवि ॥

“અતિથિયજ્ઞનાં અનધિકારી મનુષ્યોનો સહચાર મનુષ્યોમાં નથી, પણ શ્વાનવાયસાદિ જન્તુઓ સાથે જ છે; માટે તેમની તૄપ્તિ, તેમનાથી દૂર રહી, આ જંતુઓની પેઠે ભૂતયજ્ઞથી જ કરવાની છે. એ સર્વ ચેતન ભૂતોનો યજ્ઞ તેમના ઉદ્ધાર માટે કરવાનો છે ને સર્વ ભૂતો માટે દયા રાખવાનો છે; માટે આ યજ્ઞને દયાયજ્ઞ પણ ક્‌હે છે. ચેતન ભૂતોના ઉદ્ધાર માટે ઈશ્વરે સૃજેલી દયાની મર્યાદા પણ છે, જે ભૂતના સંસર્ગથી યજ્ઞના પશુને કે વેદીને કે સામગ્રીને એટલું ભય હોય કે પામર, ભૂત ઉપર દયા કરતાં મહાયજ્ઞને જ બંધ કરવો પડે અથવા યજ્ઞનાં પશુ કે વેદી ભ્રષ્ટ કે નષ્ટ કરવાં પડે – ત્યારે તે ભૂતનો ઉદ્ધાર આપણે હાથે થાય એમ નથી એ જોઈ લેવું, એને એવા ઉદ્ધાર વિના બીજા કાર્યમાં દયા કોઈ ધર્મથી કારણભૂત થતી નથી. દયાને માટે જ દયા કરવી, દયાને સાધન નહી પણ સાધ્ય ગણવી, એવો ધર્મ નથી. આ વાત ભુલવાથી સીતામાતા રાવણના હાથમાં ગયાં.


  1. ૧. શ્વાન, પતિત જન, શ્વાનાદિના ભક્ષણ ઉપર વૃત્તિ કરનાર ચાણ્ડાલાદિ જન, પાપ રોગવાળા જન, કાગડા, અને કૃમિ આટલાંને બલિ આપવુંને તે તેમનો સ્પર્શ કરીને ન આપવું પણ તેમનાથી લેવાય એમ ધીમેરહી પૃથ્વી ઉપર તે બલિનું નિવપન કરવું. મનુ.