આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૨


રહી ધર્મસહચર જીવન અદ્વૈતસહચારવડે એ ધર્મ પાળવા કે બીજા બે મઠમાં કુમારીના કંકણ જેવું જીવન રાખી પાળવા તેનો નિર્ણય કરવામાં કોઈ કામકામી કે કામદ્વેષી નથી થતું. સાધુજનો સ્વભાવથી બ્રહ્મચારી ર્‌હે છે તેને ત્રસરેણુકજીવનમાં આકર્ષવા કે નહી, એ અલખ મદનાવતારના અધિકારની વાત છે. પ્રાચીનકાળમાં ચાર આશ્રમ ઉત્તરોત્તર નામથી વિહિત હતા, પણ મનુએ કહેલું છે કે યુગે યુગે યુગહ્રાસાનુરૂપ[૧] ધર્મવૈલક્ષણ્ય[૨] પ્રાપ્ત થાય છે. આ યુગમાં ચાર આશ્રમ અનુકૂળ નથી. માટે લક્ષ્યધર્મમાં આશ્રમ ક્‌હેલા છે-એક સંસારી જનોનો અને બીજો સાધુજનોનો. બ્રહ્મચર્ય અને સંન્યસ્તને સ્થાને આ મઠ છે. વાનપ્રસ્થને સ્થાને વિહારમઠ છે. અને કન્યાઓ, સ્થુલશરીરે વિધવાઓ પણ સૂક્ષ્મ શરીરે સધવાઓ, અને પ્રવ્રજિતાઓ – એ સર્વેની વ્યવસ્થા ત્રીજા મઠમાં થાય છે. એ સર્વનાં સામાન્ય લક્ષણ બે છે. તેમાં પ્રથમ લક્ષણ અહતામાં અને મમતામાં વિરક્તિ, અને બીજું લક્ષણ સ્વભાવસાધુતા છે.

“વાનપ્રસ્થને વિષયે મનુંએ ક્‌હેલું છે કે –

[૩]"गृहस्थस्तु यदा पश्येद्वलीपलितमात्मनः।
"अपत्यस्वैव चापत्यं तदारण्यं समाश्रयेत् ॥
"संत्यज्य ग्राम्यमाहारं सर्व चैव परिच्छदम् ।
"पुत्रेषु मार्यां निक्षिप्य वनं गच्छेत्सहैव वा ॥
"अप्रयत्नः सुखार्थेषु ब्रह्मचारी धराशयः ।
"शरणेप्वममश्चैव वृक्षमूलनिकेतनः ॥

  1. ૧.સત્યયુગના એક અંશનો હ્રાસ એટલે ક્ષય થતાં બીજો યુગ, તેમાંથી હ્રાસ થતાં ત્રીજો, અને તેમાંથી હ્રાસ થતાં ચોથો કલિયુગ એવી યોજના છે.
  2. ૨.ધર્મની વિલક્ષણતા; યુગે યુગે ધર્મોનું જુદાપણું.
  3. ૩.જ્યારે પોતાને શરીરે કરચલીઓ અને માથે વળીયાં જણાય અને અપત્યનું અપત્ય દૃષ્ટ થાય ત્યારે ગૃહસ્થે અરણ્યમાં જવું. સર્વ ગ્રામ્ય આહારનો અને વસ્ત્રોનો ત્યાગ કરીને, અને ભાર્યા પુત્રને સોંપી અથવા સાથેજ લેઈ વનમાં જવું. ત્યાં સુખાર્થમાં અપ્રયત્ન રહેવું, બ્રહ્મચારી ર્‌હેવું, પૃથ્વી ઉપર સુવું, નિવાસસ્થાનમાં મમતા ન રાખવી, અને વૃક્ષોનાં મૂળ આગળ સુવું. મનુ.