આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૧


રાજ્યમાં ને તે પછી મળતા સમાજોમાંના કેટલાક મહાત્માઓની એ મૂર્તિઓ હતી. છેક નીચલા માળને ત્રણ પાસ ભીંતો હતી, અને ચોથી પાસ ઝરો હતો. ઝરા અને ગુફાવચ્ચે પગથીયાં અને લાંબા પગ મુકાય એટલા ઓટલા હતા. તે ઓટલા ઉપર ઝરાની લગોલગ થઈ ગુફાની બ્હાર જવાતું હતું. ઝરાની સામી પાસ મ્હોટી ઉંચી પત્થરની ભીંત હતી. ઝરામાં વચ્ચે વચ્ચે કમળ હતાં. છેક ઉપલે માળેથી જોડેની ગુફામાં જવા આવવાને પત્થરનો પુલ હતો, અને એ પુલની તળે ઝરો અને બે પાસ આ બે ગુફાઓની પછીતોની બારીઓ પુલથી સંધાતી હતી. આ ગુફાનું નામ સૌમનસ્યગુફા હતું.

વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો, તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી, અને બીજા બે ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ, અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કન્દના સંગ્રહ રાખી લીધેલાં હતાં. ગુફા પાસેના ઓટલાએા ઉપર સંભાળથી ચાલતા ચાલતા સર્વ પગથીયાં ઉપર ચ્હઠી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત ક્‌હાડી.

“નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળીયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકારી જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સર્વ પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત[૧] થઈ પાછો ફરે છે ને કવચિત્ જીવ પણ ખુવે છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાત ન હોય તો લોક એકલડુકલ અંહી આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અંહી પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિ દિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું."


  1. ૧.ગાંડો.