આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૬


'નીચું જુવે, ને ડસડસી રુંવે,
'ગાલે નારંગીનો રંગ ચુંવે.
'વ્હાણે નાજુક વાદળી ચાલે,
'રંગ ઉજળા પળેપળ ફાલે,
'સુંદરતાના લલિત ચમકાર
'અંગે ઉઠતા તેવા જણાય;
'જોગી જુવે છે, આભો બને છે,
'પન્થી નવો નવો વેશ ધરે છે,'

સરસ્વતીચંદ્ર પુલ ઉપર આકર્ષાયો ને તેની આંખો અંદરના રૂપ ઉપર આકર્ષાઈ.

'આંખો ચંચળ થઈ ચળકે છે,
'ઓઠ કુંપળો પઠે ઉઘડે છે;
'પંથી સુંદરીરૂપ થઈ જાય,
'જોગી ભડકે, ઉંચો નીચો થાય.”

સરસ્વતીચંદ્ર પુલની પેલી પાસની બારી બ્હાર સાખમાં લપાઈ પુલમાં ઉભો ને કાન અને આંખો માંડ્યાં. “કુમુદસુંદરી, જાતે પોતાનો જ દોષ ક્‌હાડનારી અને પ્રિય જનની દયા જ જાણનારી આ મહાશયાના ચિત્ત જેવું ચિત્ત તમારું છે તેમ તેના જેવુંજ આ તમારું રૂપ હું અત્યારે પ્રત્યક્ષ કરું છું. પણ સ્ત્રીની પ્રીતિનો આવો તિરસ્કાર મ્હેં કદી કર્યો નથી, અને જે એ તિરસ્કારબુદ્ધિથી મ્હેં તમારો ત્યાગ કર્યો તમે સમજતાં હો તો તેના આરોપમાંથી મુકત થવાનો મ્હારો ધર્મ મને તમારી પાસે મોકલશે.” કુમુદ છત સામું જોઈ છાતીએ હાથ મુકી, આંસુ લ્હોતી લ્હોતી ને વચ્ચે વચ્ચે ઉશ્કેરાતી ગાયા જ જતી હતી.

'હાથ જોડી રોતી બોલી બાળા:–
“ક્ષમા કરજો મને, જોગીરાજા !
“જગપાવન ને નિર્વિકાર
“શાંત દાંત વસો યોગીરાજ,
“એવા દિવ્ય આશ્રમની માંહ્ય
“પગ મુક્યા પાપણીએ આજ.
“તમ દર્શનનો અધિકાર,
“નથી જેને, એવી હું છું નાર.”