આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૭


સરસ્વતીચંદ્ર મનમાં ગાજી ઉઠ્યો અને અધિકાર આપવા લાગ્યો: “ના-ના-કુમુદ ! તું પવિત્ર છે તે હું જાણું છું - જગત ભલે બડાશો મારતું કે તને સૌભાગ્યદેવીથી ઉતરતી ગણતું. પણ ત્હારે જે વિકટ સૂક્ષ્મ પ્રસંગો આવી ગયા તેમાં પણ જય પામનારી સતી તો તું જ છે ! અગ્નિમાં ચાલી છે તે તું ! પાપી તો હું જ છું કે જેણે તને અવદશામાં આણી અને તેમાંથી છોડવવા હજી સુધી જેની છાતી ચાલતી નથી ને આ સ્થાને આમ બાયલા પેઠે ઉભો રહ્યો છું !” મન આમ ગજર્યું ત્યાં કાન તો સાંભળ્યા જ કરતા હતા.

“ક્ષમા કરજો મને, યોગીરાજ,
“કહી દઉં મ્હારાં વીતકની વાત.
“શુણી અબલા તણા અપરાધ,
“કૃપા કરજો, અહો કૃપાનાથ !”

સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા સજ્જ થઈ ઉભો.

“તમ દર્શનથી દુ:ખ ન્હાસે,
“બોધ દ્યો ત્યાં ત્રિવિધ તાપ ભાગે.”

“આ ભાગ તો તરંગશકરનો રચેલો નથી ! કુમુદ ! ત્હારા હૃદયની વાત હવે ત્હેં ગાવા માંડી અને પવનના ઝપાટા આગળના દીવા પેઠે મ્હારું હૃદય હવે કંપવા લાગે છે ! કંપાવ, કુમુદ, એને કંપાવ ! હવે મ્હારા પ્રાયશ્ચિત્ત વિધિનો આરંભ થયો ! આરંભ પામેલું ગાન વાધ્યું.”

“બોધની હું ન જો અધિકારી,
“પ્રભુ, ક્ષમજો, પામર જીવ જાણી!”

આ શબ્દોએ સરસ્વતીચંદ્રનાં નેત્રમાં આંસુ આણ્યાં.

"બોધ લેતાં ભુલી કે ઠગાઈ
"બોધ લેતાં લેતાં હું ફસાઈ ”

આત્મદોષનો શોધક ઉદારચિન્તાથી સાંભળવા લાગ્યો.

"બોધ લેતી લેતી હું ન જાગી,
"બોધ દેનારથી ભુરકાઈ.
"મને એવો મળ્યો એક જોગી,
"પ્રીતિ ખોટી જાણી ખરી બોધી. ”