આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૧


“કુમુદ ! મ્હારી કુમુદ ! ત્હારું અભિજ્ઞાન હવે સંપૂર્ણ થયું ! મધુરી અને મધુર કુમુદ તે એક જ ! હવે એને પળવાર વધારે આમ વ્હીલી રાખવી ને તરફડીયાં મારતી જોવી એ મ્હારાથી નહી બને ! પ્રમાદધનના ઘરમાં એમ જોવું તે જ ધર્મ હતો - હવે તેમ જોઈ ર્‌હેવું એ જ અધર્મ છે” – છેક વસન્તગુફાની બારી સુધી પગલું ભર્યું. કુમુદ ગાવાની લ્હેમાં હત નહી તો અવશ્ય તેને જોઈ શકત. તે ઉભી થઈ અને સામી રવેશ ઉપરથી દેખાતા ચંદ્રને જોઈ રહી – એ ચંદ્રને જ ક્‌હેવા લાગી – કોમળ હથેલીઓ જોડી નમસ્કાર કરી ઉભી રહી ને ચંદ્રને જ ક્‌હેવા લાગી.

“સેવે દૃષ્ટિથી શશીને કુમુદ !
“જુવે દૂરથી ને બને ફુલ્લ!
“છોડી મલિન મદનના ઉપાધિ,
“દૃષ્ટિસેવા પ્રભુની કરું આવી,
“તે હું ભાગ્ય ખોયેલું પામું,
“બોધ શાન્તિ સુધાપાન જાચું.
“રહ્યો મનમાં મને ક્ષોભ ઝાઝો,
“શાંત પડતા ઉછળતો પાછો.
“મુક્ત કરવા તેમાંથી સમર્થ
“એક પુરુષ તમે, નહી અન્ય !”

સરસ્વતીચંદ્રનું હૃદય હાથમાં ન રહ્યું – તેણે બારીના ઉમરા ઉપર પગ મુક્યો - પણ કુમુદની દૃષ્ટિ તો આકાશના ચંદ્ર સામી જ હતી. તે ભાનમાં ગાતી હતી કે બેભાન લવતી હતી તે સમજાયું નહી. ભાનમાં હોય તો સરસ્વતીચંદ્રને દીઠા વિના ર્‌હે ?

“તપ ભગ્ન તમારું કરવા,
“યોગીરાજ, આવી નથી હું આ.
“તપક્ષેત્રની વાડ વધારું,
“પશુમાત્રને દૂર જ ક્‌હાડું !
“ક્ષેત્રમધ્યે રહી કૃષિ કરજો !
“વિધહીન જ તપ આદરજો !”

કુમુદ સરસ્વતીચંદ્રના સામી ફરી, તેની આંખ આની આંખ સામે ઉભી રહી પણ જોતી હોય એમ દેખાયું નહી. એના સામી ઉભી રહીને