આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૧


ન હોય તેમ કુમુદ ત્યાંજ પડી રહી. બીજી બે ચાર પળ વીતી એટલામાં અંતરાત્મા જાગ્યો અને પોતાનું વસ્ત્ર સમું કરતી કુમુદ ખોળામાંથી ઉઠી સામી દૂર બેઠી અને પ્રિયજનની સમાધિસ્થ જેવી પ્રિય મૂર્તિનું દૃષ્ટિસેવન કરવા લાગી. એ દૃષ્ટિ તૃપ્ત થતા પ્હેલાં પોતાના શરીર ભણી ભાન ગયું ને વિચાર થયો.

“નક્કી ! સરસ્વતીચંદ્રને જ્વર આવ્યો છે - એમનું શરીર અતિ ઉષ્ણ હતું તે મ્હેં અનુભવ્યું – ત્હાડ વાતી હોય એમ એમને રોમાઞ્ચ થયો તે મ્હેં સ્પશ્ર્યો. પણ આંખો શાથી મીંચી છે ? અરેરે ! લક્ષમીનંદનના વૈભવના ભોગીની આવાં સ્થાનમાં આથી બીજી શી દશા થાય ? અથવા આ સર્વનું કારણ હું પોતે તો નથી? પેલી દુષ્ટ મર્મદારક ભસ્મવાળી રાત્રિએ મને આવો જ જ્વર હતો ! શું આ અનંગવજ્વર એમને થયો છે ? જો એજ આ જ્વર હોય તો આમ એ છેક નિશ્ચેષ્ટ ન બેસી ર્‌હે. મદનમહાજ્વરમાં સપડાયલા વશી ત્યાગી મહાત્મા આવાજ ઉગ્ર સમાધિથી એ વિષમજવરને શાંત કરી શકતા હશે ! હું એમને ઉઠાડું ? જો એ આવા સમાધિમાં હોય તો એમને ઉઠાડવા એ મહાન્ અનર્થ. જો તેમ ન હોય, અને આ કેવળ જ્વરનો કે કોઈ વ્યાધિનો પરિણામ હોય તે ઈશ્વરે મને આવે કાળે એમની સેવા કરવાને જ મોકલી ! – અને એમને જગાડવા એ જ મ્હારું કામ – તો હું શું કરું ?”

સરસ્વતીચંદ્ર મીંચેલી આંખે પલાંઠી વાળી બેસી રહ્યો હતો તેના સામી થોડે છેટે ઉઘાડી આંખે એને કુમુદ જોઈ રહી. પણ બોલ્યા ચાલ્યા વિના, હાલ્યા ચાલ્યા વિના, વિચારમાત્ર બંધ કરી, વિકારને વેગળા રાખી, એક ઢીંચણ ઉપર હાથની ક્‌હાણી રાખી અને એ હાથ ઉપર હડપચી ટેકવી, અનિમિષ એક ટશે સામા મુખમાં પોતાના સકલ અંતરાત્માનો યોગ કરી, ઉંડા સ્નેહ અને ઉચ્ચ અભિલાષની મૂર્તિ જેવી, તપસ્વિની બાળા પળે પળને યુગ ગણતી ગણતી, બેસી રહી.