આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૭

સરસસ્વતીચંદ્રને થઈ પણ અંતરપટ શાનો કરવો તે સુઝ્યું નહીં. એટલામાં એની મનોવૃત્તિ સમજી હોય એમ કુમુદે પ્રશ્ન પુછ્યા.

“આપે પિતાનો ત્યાગ કર્યો તે તેમના ઉપર અથવા બીજા કોઈ ઉપર ક્રોધથી કર્યો કે ઓછું આવ્યાથી કર્યો કે કંઈ બીજા કારણથી ? મ્હારો ત્યાગ કેવી બુદ્ધિથી કર્યો ? સુવર્ણપુર કીયા અભિલાષથી આવ્યા ? ત્યાંથી અંહી શાથી અને કેવી રીતે આવ્યા ? અંહીથી હવે કયાં જવું અને શું કરવું ધારો છે? મ્હારે માટે......” આ બધું વાક્ય પુરું થતા પ્હેલાં એના હાથમાંના ફળનો ગલ એના પગની પ્હાની ઉપર પડ્યો હતો તે ઉપર એનું ધ્યાન ન હતું, પણ સરસ્વતીચંદ્રની દૃષ્ટિ એ ગલ ઉપર અને સુન્દર પ્હાની ઉપર - ચંદ્રપ્રકાશમાં આ ગલ સુન્દર ચિત્રરૂપે પડેલો હતો તે ઉપર – પડી હતી. કુમુદ છેલું વાક્ય બોલે તે પ્હેલાં તો સરસ્વતીચંદ્ર આ ગલને હાથવડે લોહી નાંખ્યો પણ લોહેલા સ્થાનને જ જોઈ રહ્યો. એ તાલ કળાઈ જતાં કુમુદે પોતાની પ્હાની પાછી ખેંચી લીધી અને પોતે પ્હેરેલા વસ્ત્રની કોર પ્હાની ઉપર ઢાંકી દીધી. પ્હાની સંતાઈ જતાં તે જોવાનું બન્ધ થયું અને જોનાર સાવધાન થઈ ગયો.

સર૦– આ પ્રશ્નોના ઉત્તર દીધાથી આપણો ભેદ ભાગશે અને હું જાતે શાંત થઈશ એમ લાગે છે, પણ એ શાંતિ ખરેખરી મળશે કે તેને સ્થાને કંઈ બીજું પરિણામ થશે તે તો, આજ રાતના આપણા અનુભવોને વિચાર કરતાં, કંઈ સ્પષ્ટ સમજાય એમ નથી.

કુમુદ૦- સાધુજનો એવું માને છે કે ઉત્કૃષ્ટ રસ અને શુદ્ધ ધર્મ, દમ્પતી જેવાં, એકજ છે અને તેમની સંગત પ્રેરણા જે દિશામાં થાય ત્યાં જવામાં અનિશ્ચિત પરિણામનાં ભય-અભય ગણવાં યોગ્ય નથી. આને અનુસરીને જ મ્હેં પણ એવો નિશ્ચય કર્યો છે કે આપની સેવા પ્રાપ્ત થાય તો મ્હારે પણ બીજું કાંઈ જોવું નથી. આપના ચરણમાં મ્હારી અધોગતિ થાવ કે ઉન્નતિ થાવ તેનો વિચાર મ્હેં છોડી દીધો છે. ઓ મ્હારા ચંદ્ર ! તમારા વિના હવે મ્હારે કોઈ નથી અને તમારી મધુકલા ગણી કલાવાન્ ર્‌હો – બેમાંથી તમને અનુકૂળ પડે તે કરો ! પણ મ્હારાથી તમારાં દુઃખ અને તમારાં મર્મ ગુપ્ત ન રાખશો ! મને એટલો અધિકાર આપો.