આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૧

અને તેમણે પ્રિય ગણેલાં મ્હારાં ગૃહ અને લક્ષ્મીનો મ્હેં ત્યાગ કર્યા પછી મ્હારો સંબંધ તેમને અપ્રિય લાગશે માટે તેમને તેમના વાગ્દાનના ઋણમાંથી મુક્ત કરવાના નિશ્ચયથી મ્હેં તેમને અને તમને પત્ર લખ્યા હતા.

કુમુદ૦– તમે એમના ઉચ્ચગ્રાહને બહુ પામર ગણ્યો.

સર૦- તમારો તેમણે તરત જ અન્ય સ્થાને વિવાહ કર્યો તેથી મ્હારી ગણના ખરી પડી.

કુમુદ૦– સંસારની રૂઢિપ્રમાણે તેમણે મ્હારું બગડેલું પ્રારબ્ધ સુધારવા વિચાર કરી આમ કર્યું. બીજું શું કરે?

સર૦– તેમણે કર્યું તે અયોગ્ય કર્યું એમ હું ક્‌હેતો જ નથી. મ્હારે ક્‌હેવાનું તો માત્ર એટલું જ છે કે બીજાં આમ જનની પ્રીતિના જેવી જ એમની પ્રીતિની ગણના કરવામાં મ્હેં ચુક ખાધી નથી તે આથી સિદ્ધ થયું. તેમની પ્રીતિ જુદી જાતની હતી અને મ્હારી દરિદ્ર અને ભટકતી દશામાં પણ તમારી પ્રીતિને યોગ્ય તેઓ મને ગણતાં હત તો તેમણે કોઈ બીજો જ માર્ગ લીધો હત.

કુમુદ૦– તે તેમને સુઝયું નહીં.

સર૦– યથાર્થ છે. સામાન્ય સંબંધીઓનાથી જુદા માર્ગે ક્યારે સુઝે કે જોનારને આપણા ઉપર નિષ્કામ પ્રીતિ હોય તો જ. સર્વ મનુષ્યને બબે લોચન હોય છે, પણ આવી પ્રીતિથી વળી ત્રીજું અતિવચનીય લોચન પ્રકટ થાય છે અને નવી દૃષ્ટિ આપી નવા માર્ગ સુઝાડે છે, તમારાં વચનો અને તમારી અવસ્થાનો વિચાર કરતાં તમને એ ત્રીજું લોચન હોય એવું મને પ્રથમ પળે સુઝયું નહી, પણ પાછળથી વિચાર થયો કે રખેને તમને એ ત્રીજું લોચન હોય ! એ વિચારને બળે, એ શંકાને બળે, મ્હારું હૃદય વલોવાવા લાગ્યું અને તેમાંથી હું માખણ ક્‌હાડું ત્યાર પહેલાં તો તમારા પ્રારબ્ધે તમારા શરીરને હોમી દીધું ને મ્હારા વલાણાને નકામું કરી દીધું ! તમને સુખમાં અને સંતોષમાં જોઉં તો મ્હારા હૃદયનું નિષ્ફળ મન્થન બંધ પડે અને હું મ્હારા ત્યાગથી મળવા ધારેલો શમ પામું એ સ્વાર્થી ધારણાથી હું સુવર્ણપુરમાં આવ્યો. સુવર્ણપુરને અનુભવે સિદ્ધ કર્યું કે મ્હારો ધર્મ શાંત સંન્યસનનો નથી પણ વ્યર્થ સંન્યાસની વિડમ્બનામાં ભ્રમણ કરવાનો છે. તમારું દુ:ખ મ્હારાથી જોવાયું પણ નહી ને અટકાવાયું પણ નહી. પશ્ચિમ બુદ્ધિથી સુઝેલું મ્હારું શાણપણ તમને આપવાની પ્રવૃત્તિ કરી અને મ્હારાથી ન ભુલાતી વાત તમે ભૂલી જાવ એવો માત્ર શઠતાથી ભરેલો ઉપદેશ તમને