આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૬

રાગદ્વેષથી અને અજ્ઞાનથી પોતાનો શુદ્ધ ધર્મ જાણી શકતા નથી, માટે તેમને માટે શાસ્ત્રાદિની આજ્ઞા અને વ્યવસ્થા છે. સાધુઓ પોતાના ધર્મ અધર્મ જાતે જોઈ શકે છે અને તેથીજ તેઓને મન:પૂત કરેલા કાર્યને ધર્મરૂપ ગણવાનો અધિકાર છે. કુમુદસુંદરી ! મધુરી ! સાધુજનો જેને અધર્મ ગણે છે એવો અધર્મ તો મ્હારા બતાવેલા એક પણ માર્ગમાં નથી. સંસાર જેને અધર્મ ગણે છે તેનું ભય એકાગ્નિયજ્ઞમાં છે. જે કારણથી હું લોકાપવાદની અવગણના કરવી ધર્મ ગણું છું તે જ કારણથી સંસારના માનેલા આ અધર્મની ઉપેક્ષા કરું છું. સંસાર છોડે તેને સંસારની વ્યવસ્થાના ધર્મ પાળવાની આવશ્યકતા નથી. તેમના ધર્મ તો નિષ્કામ અને મનઃપૂત માર્ગ ઉપર યાત્રા કરવામાં જ સમાપ્ત થાય છે.

કુમુદ૦– કામાદિ વિકારોને અવકાશ આપવો એ નિષ્કામતા કેમ ક્‌હેવાય ? એ તો વાંઝણીને પુત્ર છે કહીએ ને કામને નિષ્કામ કહીયે તો બે વાત એકજ જાતની થઈ ગણવી.

સર૦– યજ્ઞાર્થ વેદીનું પોષણ અને તર્પણ ઉભય આવશ્યક છે. અન્ય તાપથી તપ્ત ન હોય તો જ વેદી યજ્ઞાગ્નિના તાપને વ્હેવાને માટે સમર્થ થાય છે. જો અંતરાત્માની સૂક્ષ્મ ગતિથી ત્રસરેણુકજીવન બંધાય જ તો તેની વેદીઓ અન્યતાપથી અતૃપ્ત હોય તો જ યજ્ઞાગ્નિને માટે સમર્થ થાય છે. જઠરાગ્નિની શાંતિથી જેમ એકાંગ વેદી પુષ્ટ થાય છે, તેમ કામાગ્નિની શાન્તિથી ત્રસરેણુક વેદી તૃપ્ત થાય છે. કોઈ ધર્મકાર્યને માટે આ તાપને નષ્ટ કરવા આવશ્યક હોય તો સાધુજનો ક્ષુધાસહનને અને બ્રહ્મચર્યને પોતાના ધર્મરૂપ ગણે છે અને તેવે સમયે પણ જે ઇન્દ્રિયગ્રામને વશ નથી રાખી શકતાં તે પામર અને કામકામી ગણાય છે. સાધુજનોના યજ્ઞવિધિને માટે ત્રસરેણુક જીવનને જે સમર્થ વેદી જોઈએ તે વેદીને કામાદિના પરાજયના ક્‌લેશમાં નાંખવાથી નિર્બળ કરવામાં આવે ને તેથી યજ્ઞમાં ન્યૂનતા આવે તો સાધુઓ તેને એક પ્રકારની શમવિડમ્બનાના રૂપનો અધર્મ ગણે છે ને એવો અધર્મી ત્યાગી કામદ્વેષી ગણાય છે. માટે જે કામની તૃપ્તિમાં કામને કામ પણ નથી અને દ્વેષ પણ નથી તે કામને નિષ્કામ કહેલ છે ને તેને યોગ સાધુજન વિના બીજાનાં હૃદયને થવો અશ્કય છે. મધુરી ! મ્હેં જે માર્ગ દર્શાવેલા છે તે સર્વ માર્ગ સાધુજનોના સૂક્ષ્મ સનાતન ધર્મની દૃષ્ટિવડે પાવન કરેલા છે, અને તમને તેમાંથી જે પવિત્ર લાગે તે સ્વીકારવા અધિકારી છો.