આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૧


"એ જ ઉત્તમ વાત છે.” સરસ્વતીચંદ્ર ધીમે રહી ઉઠ્યો, જરીક વાર દૃષ્ટિવડે કુમુદનું સર્વાંગ ધ્યાનમાં લેઈ લેઈ પુલ ભણી ફર્યો અને ઘણી વાર લગાડી પગલા પછી પગલું ભરતો ચાલ્યો. કુમુદ પણ ઉઠી તેની પાછળ પાછળ ચાલી – તેને એણે જોઈ પણ કંઈ બોલ્યો નહી. કુમુદે પોતાને માટે પાથરેલી પથારી સાથે લેઈ લીધી ને બે જણ સામનસ્ય ગુફામાં પુલ ઉપર થઈને આવ્યાં. સાધુજનોએ સરસ્વતીચંદ્રને માટે વસ્ત્ર પાથર્યું હતું તે કુમુદે લઈ લીધું, તેને સ્થાને પોતાની કંઈક જાડી પથારી પાથરી, તે ઉપર મૂળ વસ્ત્ર ચાદર પેઠે પાથર્યું, અને પોતે પાછી ફરી.

સર૦– તમે એવી શિલા પર સુશો ને મને આ કોમળ પથારીમાં સુવાની આજ્ઞા કરશો તો મને નિદ્રા નહી આવે.

કુમુદ૦– પથારી એક ને સુનાર બે ત્યાં પૂજનીય જને પથારીનો સ્વીકાર કરવો એ પૂજક જનના ઉપર અનુગ્રહ કરવાનો માર્ગ છે.

સર૦– સાધુજનોમાં એવા ભેદનાં કાર્ય વર્જ્ય ગણાય છે.

કુમુદ૦– હું હજી સાધુતા પામી નથી. મ્હારું હૃદય હજી સંસારી જ છે,

સર૦- તમે સાધુ જ છો.

કુમુદ૦– આપ મ્હારા અતિથિ છો.

સર૦– મને શિલાશયનનો પરિચય છે ને મને પ્રિય પણ તે જ છે અથવા તમે મ્હારાં અતિથિ છો.

કુમુદ૦– મને ગમતી વાત કરવાનું આપે વચન આપેલું છે.

સર૦- હું બંધાયો છું.– તે વધારે નહી તો આ મ્હારા વાળું જ વસ્ત્ર અને મ્હારી કન્થાનો સ્વીકાર કરી લેઈ જાવ ને તેના ઉપર શયન કરજો.

કુમુદ૦–ભલે, એટલાથી પ્રસન્ન થાવ.

કુમુદ તે લેઈને પુલ ઉપરથી ચાલી, સરસ્વતીચંદ્ર સુઈ ગયો. કુમુદ કન્થા વગેરે ખોળામાં લેઈને પોતાની ગુફામાં ઓટલા ઉપર બેઠી. તેને નિદ્રા દેખાઈ નહી. કન્થાને જોઈ રહી અને તેને એક હાથે ઉંચી કરી જોવા લાગી.

"કુમુદ ! જેના પવિત્ર ખોળામાં ત્હારા ભ્રષ્ટ શરીરને અદૂષિત વાસ મળ્યો તેની પવિત્ર કન્થાને શું તું ત્હારા શરીર નીચે ડાબી ચાંપીને નિદ્રા પામીશ ? મહાત્માના શરીરનું રક્ષણ કરનારી પવિત્ર કન્થા ! આજની રાત્ર