આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૨

તને એ મહાત્માનો પ્રસાદ ગણી મ્હારી છાતી સાથે ચાંપી રાખીશ અને ત્હારી પવિત્ર ઉંફથી નિદ્રા પામીશ. કન્થા ! આ પતિત હૃદયને તું પાવન કરજે.”

એ વસ્ત્રો બે હાથ વચ્ચે ઘાલી, છાતી સરસાં ચાંપી રાખી, કુમુદ ઓટલા ઉપર સુતી. સુતાં સુતાં પણ નિદ્રાને ઠેકાણે વિચાર આવવા લાગ્યા ને અાંખો મીંચાઈ ઉઘડવા ને ઉઘડી મીંચાવા લાગી.

"શુદ્ધ પ્રીતિ તે આ જ ! – મ્હારા હૃદયમાંની નહી પણ એ મહાત્માના હૃદયમાં છે તે જ ! કેવું ઉદાર અને શુદ્ધ હૃદય ? મ્હારી ક્ષુદ્રતા તો એમાં વસતી જ નથી ! મ્હારા ઉપર આ તે કેવો પક્ષપાત ! સંસારમાં પિતાના કરતાં પત્ની એાછી ગણાય છે. પિતાના કરતાં, માતાના કરતાં, ને કુટુમ્બ માત્ર કરતાં પતિને વિશેષ ગણવા એ વાતને ઉત્તમ ગણનાર જે સંસાર છે તે જ સંસાર પતિનો પત્ની ભણી આવો ધર્મ ગણતો નથી ને એ ધર્મને અધર્મ ગણે છે. મ્હારો ચંદ્ર મ્હારે માટે એ અધર્મ ગણાતો ધર્મ પાળે છે, ને સાધુજનો તે વાતનું અનુમોદન કરે છે ! મ્હારું શરીર અન્ય સ્થાનને વરી ચુક્યું વરણની મ્હારી પ્રતિજ્ઞાઓને પળાવવા મ્હારા ચંદ્ર ઇચ્છે છે, ને આ શરીર સંપૂર્ણ રીતે તેમને વશ હોવા છતાં, મનને વારી શકે છે – મનને મારે છે ! કેવી પ્રીતિ ! એને બદલે હું શી રીતે વાળું ? એમને માટે હું શું કરું ?"

“મન મારવું એ કેવું કઠણ કામ છે ? મને તેનો ક્રૂર અનુભવ થયો છે ને ઈશ્વરકૃપાએ આપેલાં નિમિત્તોથી – મ્હારા બળથી નહી – હું ફાવી શકી. પણ આ તો પોતાને બળે જ જીતે છે ! હું એમને સ્વાધીન છતાં જીતે છે, ને તે શા માટે ? પિતાને તે ધર્મના અત્યયને ને લોકના અપવાદનો પણ વાંધો નથી; માત્ર જે મને અનિષ્ટ છે તેને તેટલાથી જ એ અધર્મ ગણે છે.”

“આજે હું પણ મનને વારી શકી છું. મ્હેંતો મનને માત્ર વાર્યું પણ એમણે તો માર્યું. હું તો સંસારના સ્વાદની અનુભવીયણ છું પણ એમનાં રસેન્દ્રિય તો આજ સુધી અભોક્તાની દશામાં જ રહ્યાં છે, ભોગના અનુભવનો રસ કલ્પનામાં પૂર્ણ વિકાસથી સ્ફુરે છે ને હૃદયમાં ભરેલો છે, છતાં આવે પ્રસંગે મર્યાદા ન તોડવાની એ હૃદયમાં અપૂર્વ શક્તિ છે તે આજ મ્હેં જોઈ ન હત તો એવી શક્તિ કોઈમાં હોય એમ હું માનત નહીં. આવા દૃઢ હૃદયને ઢાંકનારી પવિત્ર કન્થા !”

કન્થાને છાતીમાં ચાંપી. આંખો મીંચાઈ ગઈ. કેટલીક વારે ઝબકીને જાગી.