આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૫

કલ્યાણુરૂપ થયું છે, એ સહનથી હું સિદ્ધ થઈ છું ને એ સિદ્ધિથી આ કલ્યાણદેહને અને બે ભદ્રમણિને પામી છું, એ મણિનાં આભરણ કરી તમને આપું છું તે લ્યો. તેમાંની એક આ ચિન્તામણિની મુદ્રા તમે પૂજ્ય જામાતા છો તેમની આંગળીયે પ્હેરાવું છું. એ મુદ્રાના મણિ ઉપર દૃષ્ટિ કરી સિદ્ધનગરના જે ભાગનું રહસ્ય જાણવા ઇચ્છશો તે તમને બોધિત થશે. એ મુદ્રાથી જે સિદ્ધ કે સિદ્ધાંગનાનું તમે ચિન્તન કરશો તે તમને દેખાશે અને જે લક્ષ્ય ભણી ગતિ ઇચ્છશો તેનો માર્ગ તમને સુપ્રકાશિત થશે. બેટા કુમુદ ! આ સ્પર્શમણિથી – પારસમણિથી – જડેલું મંગલસૂત્ર ત્હારે કંઠે પ્હેરાવું છું તેનો ત્હારી છાતી ઉપર સ્પર્શ થશે ને પ્રકાશ પડશે, અને એ છાતીમાં પવિત્ર અને ધાર્મિક સંસ્કારોના ઉલ્લેખ પાડી તે સ્પર્શ અને પ્રકાશ તને શાંત અને સુખી કરશે. લોકયાત્રાને કાળે ત્હારાં જેવાં ઉપર જે જે દુ:ખો પડે છે તે દુ:ખેામાં કલ્યાણનાં બીજ જાતે રોપાય છે ને દુ:ખના સરોવર ઉપર તરવાને તુંબીફલ[૧] અનાયાસે મળી આવે છે. એ બીજને અને એ ફળને આ સ્પર્શમણિ ત્હારા હૃદયના સ્વભાવરૂપ કરશે. આ સિદ્ધલોકની યાત્રામાં ત્હારા પતિની દૃષ્ટિથી જે જે પદાર્થ તું જોઈશ તેનું સૈાદર્ય તને આ સૂત્રના પ્રકાશથી પ્રત્યક્ષ થશે, અને મ્હોટા રાફડાઓની ધુળ ભેગી કનકની રેતી ગુપ્ત હશે કે ધુળમાં ઢંકાયલાં રત્ન હશે તે તને જાતે દેખાશે. તને આમ આ સૂત્રથી જે જે પદાર્થ પ્રત્યક્ષ થશે તે સર્વે સૈાભાગ્યદેવીએ આપેલા તેજોમય વસ્ત્રમાં થઈને ત્હારા સ્વામીને ત્હારા કરતાં વિશેષ પ્રકાશથી પ્રત્યક્ષ થશે. સરસ્વતીચંદ્ર ! તમે જે વિશુદ્ધ લોભથી પ્રીતિયજ્ઞ આરંભેલો છે તેનું સમાવર્તન મ્હારી કુમુદ એના આ દેહથી જ દેખશે, અને તેનાં પુણ્યફળ જગત ઉપર મેઘ પેઠે સુવૃષ્ટ થશે. ચિન્તામણિ ! પારસમણિ ! મ્હારી પાસેથી જઈ મ્હારે ઈષ્ટ સ્થાને વસો !”

તેનું વાક્ય પુરું થતા પ્હેલાં મુદ્રા સરસ્વતીચંદ્રની અાંગળીઓ ચળકવ લાગી ને મંગળસૂત્ર કુમુદના પયોધરભાર ઉપર વીજળી પેઠે ચમકારા કરવા લાગ્યું, ને બે જણ પિતામહીને ચરણે ઉપકારથી પડવા માંડે છે ત્યાં તે પિતામહી અદૃશ્ય થઈ ગઈ.

પ્રણામકાળે મીંચેલી આંખો બે જણ ઉઘાડે છે ત્યાં તે પ્હેલાંથી જ પાસે આવી રહેલો કોઈ મહાન્ નગરનો ઉંચો કોટ તેમના માર્ગને રોકતો દૃષ્ટિયે પડ્યો.


  1. ૧. તુંબડું.