આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫

જ માત્ર ભૂમિમાં પડ્યા હતા તેને મણિરાજે અને વિદ્યાચતુરે શોધી બોધી પરીક્ષાપૂર્વક આચારભૂમિમાં નાંખવા માંડ્યા હતા. કન્યા પરગૃહની જોઈએ તેમ પ્રધાન પરદેશનો જોઈએ એ વિચાર પ્રમાણે મલ્લરાજ આચાર કરી શકયો ન હતો, એટલું જ નહી પણ રાજકુળમાં વંશપરંપરતા જેવી રાજ-ફલ આપનારી છે તેથી ઉલટી જ રીતે દેશી રાજ્યોમાં પ્રધાનકુલમાં વંશપરંપરતા રાજ-ફલને ક્‌હોવડાવનારી અને પ્રધાનફલને નીરસ કરનારી છે એવા પોતાના અભિપ્રાયને પડતો મુકી જરાશંકરને સ્થાને વિદ્યાચતુરને નીમી, મલ્લરાજે રાજ્યને માથે જોખમ વ્હોરી લીધું હતું, પણ તેમાં તેનો એવો વિચાર હતો કે પરરાજ્યનું બળ ચોમાસાના પૂર પેઠે ઉભરાવા લાગે તે પ્રસંગે નવી અજમાશ કરવાનો કાળ નથી. આવાં કારણથી પોતે પ્રધાનપદ પામેલો હતો તે વિદ્યાચતુર સારી રીતે સમજતો હતો, અને પોતાના પછી કોઈ પરદેશી અને પરવંશને પણ વિશ્વાસયોગ્ય સુપાત્ર પ્રધાન શોધી લેવામાં મણિરાજની દૃષ્ટિને નિષ્ફળ ન થવું પડે તે માટે તરત પોતાના હાથ નીચેના અધિકારીયોમાં થોડાક એવા સુપાત્ર, પરદેશીયો શોધીને રાખ્યા હતા કે પ્રસંગ પડ્યે એક જ પુરુષ શીવાય બીજાને જોવાની - શોધવાની - અશક્તિ ન રહે અને અનેક સુપાત્રોમાંથી એક પાત્રતમ ગમે તે વેળા શોધી લેવામાં રાજાને બાધ આવે નહી. આ પુરુષો પરરાજ્યોના અનુભવી અને બુદ્ધિમાન હતા, અને આ રાજ્યનાં અંગના તેમ મ્હોટા રાજ્યવિચારના અને રાજ્યપ્રસંગોના પ્રકાશ તેમના ઉપર બને તેટલા પડવા દેવામાં વિદ્યાચતુરનું નિ:સ્વાર્થી અને સ્વધર્મપરાયણ મન રજ પણ સંકોચ પામતું ન હતું. રાણા ખાચરને માટે મેળવવાના ખાનગી દરબારમાં આ મંડળને તેણે આમંત્રેલું હતું તે આવો જ પ્રકાશ તેમના ઉપર નાંખવાની યોજનાથી. ચંદ્રકાંતને આ દરબારમાં તેડ્યો હતો તેમ જ રત્નનગરીમાં મુંબાઈથી સહજ આવી ચ્હડેલા દક્ષિણી દેશવત્સલ ગૃહસ્થ વીરરાવ ધમ્પાટેને પણ આ દરબારમાં તેડ્યો હતો, અને તેનું કારણ એટલું હતું કે મુંબઈવાસી સ્વતંત્રતાના ઉછાળાના ધક્કા લેવાનો લાભ પોતાના રાજકિંકરત્વના જ અનુભવી પુરુષોને મળે અને તેની સાથે આવા દરબારમાં બોલાવેલા અતિથિયોનો પણ કંઈ સત્કાર થાય. રાણા ખાચર જેવો વિરુદ્ધ મતનો અને જુની શૈલીનો પણ બુદ્ધિશાળી રજપુત રાજા રત્નનગરીના તેમ મુંબાઈના આવા ગૃહસ્થોના સમાગમમાં આવે અને વિચારચર્ચામાં ભાગ લે તે રાજસ્થાનોનું ઐક્ય સાધવામાં પોતે કાંઈક કારણભૂત થાય એવો પણ આશય આવા દરબાર યોજવામાં વિદ્યાચતુર રાખતો.