આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૩

સર્વ રાફડાઓમાં થઈને જીવે છે આ રાફડાઓ તેમની ઘણા યુગની પ્રવૃત્તિનું પરિણામ છે. આના ઉપર પણ કીડાઓથી નવા બેટ બંધાતા જાય છે તે તમને દેખાતું હશે.

કુમુદ૦- વચ્ચે પ્રકાશ શાના છે?

સર૦– આમાં કેટલેક સ્થાને શાન્ત શ્વેત પ્રકાશ છે ને કેટલેક સ્થાને રંગીન પ્રકાશ છે, શાંત સાત્વિક જ્ઞાની મહાત્માઓએ આ જન્તુઓને માટે જે માર્ગ રચેલા છે તેમાં શ્વેત પ્રકાશ છે, રજોગુણી અથવા અર્ધજ્ઞાની પણ તીવ્ર બુદ્ધિવાળાઓએ એવા જ હેતુથી જે માર્ગ રચેલા છે તેમાં રંગીન પ્રકાશ છે. બાકીની રાફડાની માટી તમોબુદ્ધિવાળા જન્તુઓએ પાડેલાં દરથી, નળીયોથી, ને ઉધાઈ તથા કરોળીયાના જેવી જાળોથી ભરાયેલી છે.

કુમુદ૦– આપણે એના અંતર્ભાગમાં શી રીતે જઈ શકીશું ?

સરસ્વતીચંદ્ર ઉત્તર દેવાને સટે પાંખ ઉપર ઉડ્યો, પાછળ કુમુદ ઉડી, ને એક શ્વેત પ્રકાશવાળા કોતરમાં જઈ અદ્ધર લટક્યાં. ત્યાં નિસરણિ એમના પગ આગળ આવી ઉભી રહી તે ઉપર બે જણ ઉતરવા લાગ્યાં. જેમ જેમ નીચે ઉતર્યા તેમ તેમ નિસરણિ નીચે આવતી ગઈ. ચારે પાસે ચંદ્રના જેવો શ્વેત પ્રકાશ, તેની આશપાશ નદીએાના પુલના ભુંગળાં જેવી ભીંતો, અને દૂર ઉપર આકાશ ને નીચે તેનું પ્રતિબિમ્બ – એ સૃષ્ટિની વચ્ચે નિસરણિ આમને ઉતારવા લાગી.

સર૦– આ ભીંતો પારદર્શક કાચ જેવી છે તેમાંથી બ્હારની સૃષ્ટિ જુવો. હવે આ જન્તુઓ કદમાં ન્હાનાં પણ મનુષ્યોને આકારે દેખાય છે. ઉન્હાળામાં ખારની જમીન જેમ તરડાઈ જાય છે ને કડકા કડકા થઈ જાય છે તેમ આ ચારે પાસની માટીમાં થયું છે – એ માટી જીવતી છે. જીવતાં જન્તુઓ આમ છુટાં પડ્યાથી, ક્ષુદ્ર ગતિવાળાં થઈ જવાથી, માટી જેવાં થઈ ગયાં છે ને પોતપોતાના કડકામાં, દરમાં, જાળામાં, ને નેળેામાં સર્વ વ્યવહાર રચે છે તે જોવા જેવા છે.

કુમુદ૦– જ્યારે એક કડકો બીજા સાથે એકઠો રહી શકતો નથી ને એક બીજાના ઉપર પડી બે કડકા સાથે અથડાવા જેવા થાય છે ને ચારે પાસથી માટીના ઢગ થવાના થાય છે ત્યારે કોઈક પરસ્પર સામાન્ય જ્ઞાતિસત્વને બળે અનેક જન્તુઓ જ્ઞાતિના અકેકા થાંભલાને રૂપે ઉભા રહેલા છે, ને સર્વ થાંભલાઓ છેક નીચેથી સંધાયા છે.