આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૦

નથી. આ સર્વ મલિન વસ્તુઓને દૃષ્ટિબ્હાર રાખી કરેલું ધર્મના ને ન્યાયના પાયાનું ચણતર રેતીમાં થયા જેવું ગણવાનું છે, ને એ મલિન માર્ગના કોયલાની વ્યવસ્થા રાખવી ને કોયલાથી કાળાં ન જ થવું એ અભિલાષા દમ્ભનો અને મમતાને પરિણામ છે. અમે એ અભિલાષને ના નથી ક્‌હેતા પણ તેનો ત્યાગ કરવાનું આવશ્યક લાગે તો તેમ પણ કરવા તત્પર રહીયે છીયે. અમે તો માત્ર આ દેશની ત્રિગુણાત્મક સૃષ્ટિના સર્વે અંશપર પૂર્ણ દૃષ્ટિ રાખી અમારી રચના કરી છે, ને તમે જુવો છો કે જ્યારે બુદ્ધ ભગવાનની ને અશોક મહારાજની સાત્ત્વિક સૃષ્ટિ ધુળના કોટ પેઠે બંધાઈ ઉડી ગઈ છે ત્યારે અમારી ત્રિગુણાત્મક દૃષ્ટિની સૃષ્ટિ હજી વર્તમાન છે ને પરદેશી પવનના ઝપાટા સામી હિમાચલ પેઠે સ્તંભ ધારી ઉભી રહી છે. તમારા વિહારમઠના જેવાં લગ્નનો અમે નાશ કર્યો છે, બાળકીમાત્રને પરણાવીયે છીયે ને વિધવા માત્રને અપરિણીત રાખીયે છીયે, કુટુમ્બોના માળા એક જ વૃક્ષ ઉપર બાંધીએ છીયે, જ્ઞાતિઓના રોપાને ક્ષેત્ર બ્હાર શાખાવાન્ થવા દેતા નથી ને ક્ષેત્ર બ્હારનાં પ્રાણીને આ ક્ષેત્રમાં આવવા દેતા નથી, સ્ત્રીપુરુષની સ્વચ્છન્દ પ્રીતિને સટે કુટુમ્બજનોની પરસ્પર એકલોહીની પ્રીતિ રચીયે છીએ, આવી અનેક વ્યવસ્થાઓના પ્રકાશના રસોને આ વડની વડવાઈએનાંજ નલિકા-જાળેામાં થઈને તેના ઉપરના સ્તમ્ભોમાં વ્હેવા દઈએ છીયે, અને એ સૃષ્ટિનું પોષણ પણ આ વડવાઈઓને આમ બાઝી રહીને જ કરીયે છીયે. એ વડવાઈઓથી અમને છુટા પડનારને માટે અમારી વિષજ્વાલાઓ છે, એ વડવાઈના વિસ્તાર ઉપર વધ્યાં જાય તેને પ્રતિકૂળ થનારને માટે પણ એ જ જ્વાલાઓ છે, અને તમારા દેશને માટે ત્રિગુણાત્મક દૃષ્ટિથી રચેલી વ્યવસ્થાને, મનન કે વાણીના કે કર્મના રજોગુણથી કે તમોગુણથી, ભંગ કરનારને માટે અમારી જ્વાલાઓ આ નીચેથી છેક ઉંચે સુધી ચ્હડી પ્હોચી જવાને સમર્થ છે. અનેક જાતના વિકારોમાંથી, દુઃખોમાંથી, અને ભયમાંથી ઉદ્ધાર કરી રાખવાને અમે તમારા દેશની વ્યવસ્થાને ધરી રાખી છે ને તેના અંતઃશત્રુઓ તેમ બાહ્ય શત્રુએ સર્વને માટે અમારી વિષાજ્વાલાઓ વરાળ પેઠે સર્વદા ઉંચે ચ્હડ્યાં કરે છે.

સર૦– તમે તે આ દેશની વ્યવસ્થાને સુધારી છે કે બગાડી છે ? તમે તે આ દેશની આશાઓમાં વિષ નાંખ્યું છે કે અમૃત નાંખ્યું છે ?

વિષવૃષ્ટિ વધારે ભયંકર થઈ સામેનો નાગ ઉત્તર દીધા વિના આમની ચારે પાસ વીંટાવા લાગ્યો અને તેનું મ્હોં કોઈ કાળા કોતર પેઠે પ્હોળું