આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૭૧

થઈ અંદરનાં ક્રૂર દાંતને અને ઠગારી જીભને દેખાડવા લાગ્યું - એટલામાં કુમુદસુંદરી તેના સ્પર્શથી ઉછળી અને સરસ્વતીચંદ્રને બાઝી પડી બોલી ઉઠી.

"જુવો, પ્રાણનાથ, આ સર્વ નાગરાજનાં મસ્તક મુકુટધર છે ને એ મુકુટોમાં શાં તેજસ્વી રત્ન છે ?”

સર૦– પ્રિયા, સીતાની દૃષ્ટિ સુવર્ણમૃગ ઉપર પડી હતી તેમ તો તને નથી થયું ? તું આ વિષદૃષ્ટિમાં તેજ અને રત્નો ક્યાં જુવે છે !

નાગ, બળવાળી ચુડ ભરવી, આ બે જણની આશપાશ વીંટાયો અને તેઓ સામાસામી આલિંગન દેતાં હોય તેમ સજડ ભીંડાયાં. ભીંડાયાં તેની સાથે કુમુદનું મંગળસૂત્ર સરસ્વતીચંદ્રના હૃદયમાં ચંપાયું ને તેની સાથે જ તે બોલી ઉઠ્યો.

“કુમુદ ! કુમુદ ! તું સત્ય ક્‌હે છે ! આર્યદેશના ખરા અને સનાતન મુકુટધર રાજાઓ તો આ નાગલોક જ છે ! આપણે જેમને રાજાઓ અને ચક્રવર્ત્તીઓ કહીયે છીયે તે તો નામના ! તેમનો મુકુટમણિ ખેાટા ! શુદ્ધ મણિ તો આ રાજાઓના જ મુકુટમાં છે તે હું હવે ત્હારી પેઠે દેખું છું ! હા ! શું સુન્દર દર્શન છે?”

આ વચન નીકળતાં નાગની ચુડ છુટી, તેણે તેમને છોડી દીધાં, વિષવૃષ્ટિ શાંત થવા લાગી, નાગલોક વડવાઈઓ ઉપર ચ્હડવા લાગ્યા, અને સ્વપ્નનાં દમ્પતી આગળ ઉભેલા નાગરાજને સ્થાને મ્હોટો રત્નનો ઢગલો – અન્નકૂટ જેવો – ઉભો થયલો દેખાયો. એ ઢગલાના તેજ આગળ આ દમ્પતીનાં નયનમાં કંઈક ઝાંઝવાં વળવા લાગ્યાં. પળ પછી પળ જવા લાગી તેમ તેમ ચારે પાસની સૃષ્ટિમાં અદ્ભુત ફેરફાર થઈ જવા લાગ્યો. ઉપરની કાળી છતને સ્થાને સુન્દર રંગોથી રંગીન પણ પારદર્શક બીલોરની છત થઈ ગઈ ને વડવાઈઓ પણુ બીલોરના ઝાડ પેઠે લટકવા લાગી, એ ઝાડમાં કાચના પ્યાલા, કાચના ઘડા, ને કાચની ત્રાસકો, ઝુલવા લાગી, ને તે સર્વેમાં અમૂલ્ય સુન્દર રત્નો દીવાની ઉભી જ્યોતો પેઠે પ્રકાશી રહ્યાં. ઉપલી છત ને નીચલી ભૂમિકા વચ્ચે કોઈ વિશાળ સુન્દર વાડીઓ ખીલી રહી ને તેમાં સ્થાને સ્થાને સ્વર્ગના જેવા વૃક્ષો, કુણ્ડો, ફુવારા, ન્હાના ઝરા, ચિત્ર વિચિત્ર રંગોના ફુલથી લચી રહેલી વેલીઓ, ને ન્હાના કોમળ છોડવાઓ ઉપર બેઠેલાં ફુલના ફાલ : એમ રમણીય સૃષ્ટિ દૃષ્ટિમાં અનેકધા અમૃત ભરવા લાગી.

કુમુદ૦- પ્રિય હૃદય ! પેલી નાગલોકની ભયંકર સૃષ્ટિ કયાં જતી રહી