આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૩

પ્રણામ કરી ઉભી રહી ને છાયાઓ ચાલી ગઈ. તેમની પાછળ માત્ર ગુણસુન્દરીના સ્વરના ભણકારા રહી ગયા તેમાં “કુમુદ ! મ્હારી કુમુદ !”. એટલા અક્ષર લંબાતા હતા. આ ચિત્ર જોઈને અને સ્વર સાંભળીને કુમુદ ગળગળી થઈ ગઈ. સરસ્વતીચંદ્રને કંઈક ક્‌હેવા જાય છે એટલામાં બુદ્ધિધનની છાયા આવી. પ્રથમ તે મ્હોટા ન્હાના કૃમિયાનું જાળ બાઝયું. હતું, તેમાં જડસિંહના દરબારનું, શઠરાયનું, ભૂપસિહનું, અને બુદ્ધિધનનું પોતાનું મંડળ, સર્વ-કૃમિરૂપે, તીડોના વાદળારૂપે, તરવરવા લાગ્યું અને તેની વચ્ચેથી સર્વેના શિરપર ચ્હડી બુદ્ધિધનની છાયા, કોડીયામાંના દીવાની જ્યોત પેઠે, ઉભી થઈ પ્રકાશવા લાગી. એના એક હાથમાં, એક જંતુ હતો તે સ્પષ્ટ જોતાં પ્રમાદધન દેખાતો હતો. બુદ્ધિધને પોતાના હાથમાં લઈ દૂર–તેજની નીચેના અંધકારમાં – તેને ફેંકી દીધો ને પોતે પોતાના મુખથી માત્ર “કુમુદસુન્દરી ! તમારા શત્રુને આ શિક્ષા !” એવો ઉચ્ચાર કરતો હતો. એની પાછળ સૌભાગ્યદેવી સિદ્ધાંગનારૂપે આકર્ષાતી ખેંચાતી ચાલતી હતી અને બેની વચ્ચેનાં તેજના પટમાં હાથવડે કંઈક દિવ્ય ચિત્ર વણતી હતી.

આ છાયાઓ આમ ચાલતી ચાલતી સરસ્વતીચંદ્ર અને કુમુદની પાસે થઈને ગઈ અને પિતામહકુંડની વચ્ચેના તેજનાં મોજાં ઉપર ચાલવા લાગી. થોડી વારે રાફડામાંથી ઉંચી ચ્હડી બીજી પણ એવી અનેક છાયાઓ આવી ચાલી ગઈ મેનારાણીની છાયા કાળાં વસ્ત્ર પ્હેરી શોકભરી આકાશમાર્ગે ચાલી ને તેની પાછળ પાછળ સિદ્ધસ્વરૂપે મલ્લરાજ મહારાજ એક કમળ હાથમાં રાખી એને મેનાના હૃદયકમળમાં અરકાડતા હતા અને કમળના અગ્ર ભાગમાંથી ગાન નીકળતું હતું કે–

“શંખ ધરે રિપુ-હૃદય-વિદારણ જે ત્રિભુવનનો નાથ,
“ભક્તહૃદયના સાન્તવન કાજે પદ્મ ધરે તે હાથ !
“મેના ! ત્હારી પ્રીતિ છે જ સનાથ !”

વળી થોડે છેટે ચન્દ્રલક્ષ્મીની સિદ્ધ મૂત્તિ પોતાના હાથમાં લક્ષ્મીનન્દનની શીર્ણ છાયાને સુતેલી લઈને ચાલતી હતી અને પોતાના મુખમાંનો જૈવાતૃક ઉચ્છવાસ એ છાયાને જીવ આપવા તેના મુખમાં ધીમે ધીમે ફુંકતી હતી. આ વિના પણ બીજી અનેક છાયાઓ રાફડાઓમાંથી નીકળવા લાગી અને તેમની પાછળ રાફડામાંની નલિકાઓમાં થઈને ભેરીનાદ નીકળતો હતો કે –