આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૮


બેસી અંધકારે ચન્દ્રને અને ચન્દ્રપ્રકાશને ચગદી ચાંપી ભોંયભેગા કરી નાંખ્યા, વીજળીના ચમકારા થતાં જગત જેટલું ભયંકર થતું તેથી વધારે ભયંકર, ચમકારો શાંત થતાં, થતું અને, વળી ચમકારો થતાં, વધારે ભયંકર થતું. પવનના સુસવાટા વધ્યા ને ઉપર આકાશમાં પછડાવા લાગ્યા તેમ કુંડનાં મોજાંને પણ ઉછાળવા ને ગજાવવા લાગ્યા. અંધકાર અને ગર્જનાઓ દશે દિશાએ વ્યાપી ગયાં ને સરસ્વતીચન્દ્ર અને કુમુદ એક બીજાનાં શરીર દેખતાં બંધ થઈ ગયાં. માત્ર દિવ્ય હૃદયબન્ધથી સ્વામીને ઓળખી ભયભીત કુમુદ એને ગાઢ આલિંગન દેઈ ઉભી ત્યાં પ્રથમ વીજળીનો કડકો, હજાર તોપો સાથે લાગી છુટે તેના જેવો, થયો ને તે સાથે, આંખ ઉઘડી મીંચાય એટલો પલકારા જેટલી પળમાં, એનો ચમકારો થઈ શાંત થઈ ગયો ને અંધકાર એના ઉપર ચ્હડી બેઠો. એ પ્રકાશની પળમાં આ બે જણે પોતાના સર્વ વડીલવર્ગને તેજકુંડનાં મોજાંમાં ડુબી જતાં દીઠાં ને ચારે પાસની ગર્જના વચ્ચે–

“કુમુદ ! કુમુદ” “ભાઈ ! ભાઈ, !” “ભાભી ! ઓ ભાભી !” એવી દુ:ખભરી કારમી ચીસો સંભળાઈ

વીજળીનો બીજો ચમકારો થતાં આ સ્વપ્નના સરસ્વતીચન્દ્રે સ્વપ્નની કુમુદને છળેલી આંસુભરી અને પોતાને વળગી પડેલી જોઈ લીધી, ને ચમકરો બંધ પડે તે પ્હેલાં તો તેમની પાંખોએ તેમને ઉંચક્યાં અને જે દિશામાંથી સ્નેહી જનોના દુઃખની ચીસો સંભળાતી હતી તે દિશામાં વીજળીના કરતાં વધારે વેગથી લીધાં પળવારમાં એ બે શરીર આ કુંડમાં આ અંધકાર, ગર્જનાઓ, મોજાં, અને ચીસો વચ્ચે ઉડી પડ્યાં; પડી કુંડને તળીયે ડુબ્યાં; ને ડુબ્યાં તેની સાથે તેમનું આ મહાસ્વપ્ન વિરામ પામ્યું, ને સમનસ્યગુફાના ઓટલા ઉપર સરસ્વતીચન્દ્રના ચરણને પોતાના ખોળામાં લેઈ છાતી સાથે ચાંપી રાખી, બેઠી બેઠી, અંચળાને ઉશીકે ઉંઘતી કુમુદસુંદરીના સ્થૂલ શરીરને જ જોવાનું બાકી રહ્યું, પણ એવામાં જ આકાશનો ચન્દ્ર અસ્તાચળની પાછળ કુદી પડ્યો ને એ શરીરનું દર્શન કરાવનાર ચન્દ્રપ્રકાશના ઉપર પણ અંધકારનો પડદો પડી ગયો. હવે તો આ બે જીવ જાગે ત્યારે તેમનો પોતાનો અંતઃપ્રકાશ કેવી સૃષ્ટિ રચે છે તે જોવાના કાળની વાટ જોવી બાકી રહી.