આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૧


“કુમુદસુંદરી ! તમે અંહી સુતાં છો ? તમે જાગો છો?” “સરસ્વતીચંદ્ર ! કેમ બેઠા છો ? નિદ્રા નથી આવતી ?” એમ બે જણનાં મુખમાંથી સામાસામી પ્રશ્નો સાથેલાગા નીકળ્યા. કુમુદ પણ બેઠી થઈ.

“વસન્તગુફામાં પ્હેલી રાત્રે એકલી પડી એટલે આપના વિચાર થવા લાગ્યા ને નિદ્રા ન આવતાં અંહી આવી.” સરસ્વતીચંદ્રનો ઉત્તર નીકળતા પ્હેલાં કુમુદે બોલવાનો આરંભ કર્યો ને એ આરંભને અવકાશ આપવા પુરુષે પોતાના શબ્દ કંઠમાં રોકી દીધા.

સર૦– તમે આ ઓટલા ઉપર બેઠાં હતાં ?

કુમુદ શરમાઈને ગુંચવાઈ પણ અંતે બોલવાની છાતી ચલાવી.

“હા. પ્રથમ તો આપના શરીરમાં મ્હેં જ્વર જાણ્યો હતો તે ચિન્તાએ અહીં મોકલી અને એ ચિન્તામાંથી આપના શરીરની ખરી સ્થિતિ જાણવા સ્પર્શ વિના અન્ય માર્ગ ન્હોતો. અનેક વિચાર કરી આપના ચરણસ્પર્શથી એ કાર્ય પણ સધાશે ને હું પવિત્ર પણ થઈશ એવા વિચારથી આપના ચરણને ખોળામાં રાખી હું બેઠી ને બેસતામાં જ નિદ્રા પ્રાપ્ત થઈ. તેમાંથી જાગતાં હું દૂર ખસી અંહી સુતી ને અંહી પણ નિદ્રાવશ હતી તે આપના પગના ઘસારાથી જાગી ઉઠી.”

સર૦– તમારી નિદ્રામાં મ્હેં ભંગ પાડ્યો ખરો?

કુમુદ૦– જેણે આજ સ્વસ્થનિદ્રાનું સ્વરૂપ મને દેખાડ્યું તેને તે સ્વરૂપમાં ભાત પાડવાનો પણ અધિકાર છે.

સર૦– તમારો વિશુદ્ધ લાભ મ્હારા ચરણના સ્પર્શથી દૂષિત થયો.

કુમુદ૦- પવિત્રતા અને દૂષિતતાના સ્વભાવ મનની સ્થિતિ પ્રમાણે બંધાય છે. નિદ્રાને વશ થઈ જવાથી મ્હેં મ્હારા ને આપના વિશુદ્ધ લાભને ચલિત કર્યો છે. મ્હારી તે નિદ્રાનો જ ભંગ થયો હશે પણ આપના તો તપનો પણ ભંગ મ્હારાથી થઈ ગયો હશે. હું તો ભાગ્યથી જ દૂષિત છું ને આપને તો મ્હેં પોતે દૂષિત કર્યા.

સર૦- તમને સર્વ અધિકાર મ્હેં સોંપી જ દીધા છે. તમારા હૃદયની જે વાસનાની તૃપ્તિ શોધશે તે મ્હારા ભાગ્યમાંથી તમારે તમારી જાતે લેઈ લેવાનો અધિકાર તમને મ્હારું હૃદય સોંપે છે, કારણ તે વિધિથી જ મ્હારું પ્રાયશ્ચિત્ત છે.

કુમુદ૦- આપ હવે પ્રાયશ્ચિત્તની કથા જવા દ્યો – તે વસ્તુના નામશ્રવણથી જ હું કમ્પું છું.