આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૨


સર૦– હું તેમ કરવા પણ તત્પર છું.

કુમુદ૦– મ્હારા રસ અને ધર્મ વિચારવાનું કાલ મ્હારા ઉપર આપે રાખ્યું હતું તે વિચારનાં સાધન મને સ્પષ્ટ કરો એવો મ્હારા મનમાં અભિલાષ છે.

સર૦– તમે પ્રશ્ન કરશો તેમ તેમ તે સિદ્ધ થશે.

કુમુદ૦- આપ મ્હારું આતિથેય કરે છો–

સર૦– તમે મ્હારું આતિથેય કરો છો તેવું હું તમારું કરું છું.

કુમુદ૦- આપણા બેમાં યજમાન કોણ ને અતિથિ કોણ ?

સર૦– મ્હારે મન તમે અતિથિ ને તમારે મન હું.

કુમુદ૦– પ્રીતિયજ્ઞમાં પણ તેમ થાય છે ?

સર૦–ના. તેમાં તો બે હૃદયનું અદ્વૈત હોય છે. સામાસામી દર્પણ મુક્યાં હોય ત્યારે એકમાં પડતું પ્રતિબિમ્બ તરત જ બીજામાં પડે અને તે પાછું પ્હેલામાં પડે અને એ રીતે અનેક પ્રતિબિમ્બ આ બે દર્પણમાં નવી સૃષ્ટિ રચે છે એવા જ વિધિથી પ્રીતિબદ્ધ દમ્પતીઓનાં હૃદયમાં વિચાર અને અભિલાષ અદ્વૈત પામી રચાય ત્યારે તેમાંથી જે ક્રિયા ઉદ્ભવ પામે તેની જ્વાલાઓથી અદ્વૈત યજ્ઞ રચાય છે.

કુમુદ૦- આપણું એવું અદ્વૈત રચાવામાં કંઈ બાધ છે ?

સર૦– તે અદ્વૈત મનુષ્યનું રચ્યું રચાતું નથી; એનો પ્રભવ તે ઈશ્વરની ઇચ્છામાં છે.

કુમુદ૦– મ્હારા અભિલાષ આપણા બેના કલ્યાણને જ શોધે છે, ને સુખવાસનાનો તિરસ્કાર કરે છે; પણ વાસના જાતેજ છુટતી નથી.

સર૦– આવી વાસનાઓ બે પાસના અદ્વૈતયજ્ઞથી જ છુટે છે, જિવ્હા ઉપર શર્કરાનો સ્પર્શ થતાં જ જિવ્હા દ્રવે ને આસ્વાદ્ય વસ્તુને મૃદુ કરી જઠરાગ્નિમાં હોમે તે તેનો સ્વભાવ છે; આ પરિણામ અનિવાર્ય છે. પણ જિવ્હામાં લાલસા હોય નહીં ને શર્કરા આપનાર હાથ સંકુચિત રહે ત્યારે ઉભયનાં બે કાર્ય એક પન્થ થાય છે.

કુમુદ૦-આ વસ્તુ એવી છે કે તેની વાત કરતાં કરતાં લાલસા દારુના ઢગલા પેઠે સળગી ઉઠે છે ને વાત કર્યા વિના તે એક હૃદય બીજા પાસે ઉઘડી શકતું નથી. લાલસાનો નાશ કરવાની લાલસાને માટે પણ હૃદય ઉઘડે ત્યારે વાત થાય.