આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૮

કાળ પ્રસિદ્ધ કરે છે અને તે યજ્ઞમાં ભંગ પડે એવાં કાર્યથી દૂર ર્‌હેવાની પ્રત્યક્ષ સૂચના લેવામાં, કૃષિકાર વર્ગનાં ક્ષેત્રની વાડો અને ગ્રામ તથા નગરો વચ્ચેના સીમના બાણ પેઠે, અન્ય સાધુજનો વિવાહની વરણવિધિને સંજ્ઞારૂપે આવશ્યક ગણે છે. સનાતન ધર્મના વિવાહનું કારણ પ્રીતિ છે ને ફળ પણ પ્રીતિ છે. સંસારની સુન્દરતા અને વૃદ્ધિ પણ એવી પ્રીતિથી જ છે, ને એ પ્રીતિ આટલી મર્યાદામાં હૃદયમાં રચાય તો સાધુજનો તેને વિશ્વકર્તાની વ્યવસ્થાનો અંશ ગણી સ્વીકારે છે. બાળકના સાદા શરીરમાં યૌવનકાળે નવાં અંગ અને નવી વ્યવસ્થાઓ થાય છે તેની પેઠે જ પ્રીતિ પણ નવું અંગ થાય છે ને જેમ નવાં સ્થૂલ અંગનો ત્યાગ નથી થતો તેમ પ્રીતિનો પણ નથી થતો. આ દેશમાં કોઈ કાળે પ્રીતિવૃક્ષના આ મૂળમાં ને થડમાં ને તેમને ઉગવાની ભૂમિમાં કંઈક મહાન્ રોગ જણાયાથી તે જાણનારાઓએ પ્રીતિવૃક્ષનાં બીજની અને ભૂમિની ઉપેક્ષા કરી છે, કેટલાક છોડ અને રોપાઓ ન્હાનાં કુંડાંમાં ઉપરથી રોપીયે છીયે ને કુંડાંની તળેની પડઘીને લીધે એ રોપા ભૂમિમાં પ્હોચતા નથી તેમ પ્રીતિનાં બીજને ભૂમિની ઉપેક્ષા કરનાર વ્યવસ્થાપકોએ, આ દેશમાં પ્રીતિના છોડ બાળવિવાહનાં કુંડામાં ઉપરથી રોપી, એ છોડનાં રક્ષણ ને પોષણ જેટલાં થઈ શકે તેટલામાં જ સંતોષ માનેલો છે, અને તેમણે દીઠેલા રોગના કરતાં આટલી વ્યવસ્થામાં ઓછી હાનિ ને વધારે લાભ ગણ્યો છે, કુમુદસુન્દરી ! આપણા લોકમાં વસીયે ત્યાં સુધી આપણું અને તેમનું કલ્યાણ તેમની વ્યવસ્થા પાળવામાં છે અને તે જ ધર્મ છે, આપણે એ લોકનો ત્યાગ પ્રાપ્ત થાય ને સાધુજનોનાં અંશભૂત થઈએ ત્યાંથી સાધુજનોના સનાતન ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આપણે તેમનાં અંશભૂત થયાં છીયે એવો, સર્વ સાધુજનોએ, આપણી પરીક્ષા કરી, નિર્ણય કર્યો છે- માટે આપણે તેમના સનાતન ધર્મનાં અધિકારી થયાં છીયે ને સંસારના લોકધર્મથી મુક્ત થયાં છીએ.

આટલું વચન નીકળતાં કુમુદસુંદરી એકદમ ઉઠી ને ઓટલા ઉપર સરસ્વતીચંદ્રથી કંઈક દૂર છતાં પાસે બેઠી ને બોલી.

“જો સદ્વિચારને અંતે તમે આ જ નિર્ણય ઉપર આવો છો તો આમ તમારી પાસે બેસવું એ જ મારો ધર્મ છે.”

સર૦– શા માટે ?

કુમુદ૦– જે વાસનામાં અધર્મ નથી તેની તૃપ્તિ એ જ શાન્તિ છે, ને દયા એ પણ એક વાસના છે.