આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૩

વામની૦ – એ સમર્થતાએ તને સુખી કરી કની ?

કુમુદ૦– એ સમર્થતાએ મને શુદ્ધ અને શાંત કરી.

ભક્તિ૦– મધુરી, ત્હારી તૃપ્તિ જોઈ ચન્દ્રાવલીનું હૃદય ઘણું શીતળ થશે.

બુદ્ધા– મધુરીમૈયા શાંત થઈ છે તો તૃપ્ત પણ થશે. જયાં સુધી એના અદ્વૈતાગ્નિની સુન્દર જ્વાલાઓ જગતને પ્રત્યક્ષ થઈ નથી ત્યાં સુધીનો કાળ રમણીય આપ્યાયનમાં જશે ને તૃપ્તિનો કાળ તો મહાત્મા પૂર્ણાહુતિ રચશે ત્યારે આવશે.

પ્રીતિ૦- મધુર મધુરી ! જે સાધુતાએ તને શુદ્ધ અને શાંત કરી છે તે જ સાધુતા ત્હારું કલ્યાણ કરશે.

કુમુદ૦- આપની મતિ આવી કલ્યાણકર છે તો તે સફળ થશે.

વામની૦– મધુરી, તું સુખી થઈ જાણીશું ત્યારે અમે સુખી થઈશું. તું હજી કંઈક વિચારમાં પડે છે.

કુમુદ૦– દુઃખની ભીતિથી હું કમ્પુ છું ખરી, પણ સુખના કરતાં કલ્યાણને વધારે પ્રાર્થું છું. એ પ્રાર્થના મને વિચારમાં નાંખે છે.

વામની૦– વારુ, તું વિહારમઠમાં ક્યારથી જઈશ ને સાધુનો વેશ કયા૨થી ધારીશ ?

કુમુદ કંઈ બોલી નહી.

પ્રીતિ૦- વામની, તું ત્હારા ધર્મનો અતિક્રમ કરે છે, જે અદ્વૈતાગ્નિની વેદીનું પોષણ કરવા સાધુજનોના પરિશ્રમથી મધુરીમૈયા તત્પર થઈ છે તે અગ્નિસાધનના એક પણ મંત્ર કે વિધિનું દર્શન ઇચ્છવા તને કે મને અધિકાર નથી. દયિતદયિતાનો યોગ થતાં સખીકૃત્ય સમાપ્ત થાય છે. તે પછી તેમની પ્રીતિના પડદાને ઉંચો કરી કરી તેમાં ડોકીયાં કરવાના કામને સાધુજન અધર્મ ગણે છે. પ્રીતિનું બાલવય થઈ ર્‌હેતાં તેનાં અંગ પર આચ્છાદન જ ઘટે છે ને એ મર્યાદા સર્વને કલ્યાણકર છે. જેની ચિન્તા નવીનચંદ્રજીના હૃદયમાં ચ્હડી ચુકી છે તેની ચિન્તા આપણે કરીયે તો આ૫ણામાં પ્રગલ્ભતાનો દોષ પણ આવ્યો સમજી લેવો. માટે, વામની હવે ત્હારા કુતૂહલને સાધુજનોને અનુચિત ગણી એ કુતૂહલનો નિરોધ કરી દે અને આપણા ઋણના મ્હોટા ભાગમાંથી આપણે મુક્ત થયાં ગણી,


૧ Audacity,