આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૦


કુમુદ૦– તમે ઘડી ઘડી ક્‌હેતા હતા કે આર્યદેશની સ્ત્રીયોને આર્યપદને યોગ્ય ઉત્કર્ષ આપવાની તમારી વાસના છે - તે હજી છે કે નથી?

સર૦- શું કહું ? એ વાસનાની વસ્તુ વળી એથી પણ વધારે દુર્લભ છે ને તેની પ્રાપ્તિના માર્ગને માટે પૂર્વે કરેલાં મનોરાજ્યને સ્મરું છું તેની સાથે જ તમારા પણ સંસ્કારો હૃદયમાં ખડાં થાય છે ને ક્‌હેવડાવે છે કે-

इदमसुलभवस्तुप्रार्थनादुर्निवारम्
प्रथममपि मनो मे पञ्चवाणः क्षिणोति [૧]


કુમુદ૦– જે વસ્તુ આપને આજ નહી તો બે વર્ષે પ્રાપ્ત થવી સુલભ છે તેને દુર્લભ ગણવા જેવી અધીરતા તમારામાં નક્કી નથી જ, The time will come you need not fly. [૨]

સર૦– કાળ તેને સુલભ કરશે પણ આપણી ધર્મબુદ્ધિ શું સુઝાડશે તે કોણા જાણે છે ? કુમુદસુંદરીનો ત્યાગ ન કર્યો હત તો પઞ્ચબાણથી નિર્ભય રહી તેમને જ સ્વરૂપે - તેમના જ દ્વારા – મ્હારો જીવ સર્વ સ્ત્રીસૃષ્ટિનાં સુખ-દુ:ખના દુર્લભ દર્શનને સુલભ કરી લેત અને તેના ઉપાય શોધત. પવિત્ર પ્રિયજન ! એ નિર્ભયતા હવે મને મળવામાં જેટલી શંકા છે તેટલી જ દેશની સ્ત્રીસૃષ્ટિનાં સૂક્ષ્મ શરીરની ચિકિત્સા થવી અવિવાહિત વૈદ્યને માટે દુર્લભ અને અનુચિત છે. સ્ત્રીની નાડી જોતાં તે નાડીના સ્પર્શથી જ જ્યારે તે નાડી કે વૈદ્યની પોતાની નાડી ચમકે ત્યારે વૈદ્યે નાડી જોવી જ મુકી દેવી યોગ્ય છે. મન્મથનો પરાભવ કરવો કેવો વિકટ છે તે આપણે અાજ પ્રત્યક્ષ કર્યું છે. તમારી અપૂર્વ સહાયતા મને ન મળી હત તે મન્મથે આજ મ્હારી ધજા તોડી પાડી હત. સ્ત્રીસૃષ્ટિનાં દુ:ખ દૂર કરવાનાં સાધનમાં આવી સહાયતા ન મળે તેને એ સાધન દુર્લભ છે - છતાં એ સાધનના સાધ્યને પ્રાપ્ત કરવાની મ્હારી વાસના ખસતી નથી માટે જ હું અસુલભ વસ્તુની પ્રાર્થના કરનાર મૂર્ખ છું. કોઈ નિમિત્તે કોઈ સ્ત્રીનું મ્હારે દર્શન થાય છે ત્યાં તમને દેખું છું, ને તમને સ્મરું છું ત્યાં સર્વ સ્ત્રીજાતિનાં સુખદુઃખ સ્મરું છું. તમને દેખું છું કે સ્મરું છું તેની સાથે સ્વયંભૂ મન્મથ મ્હારી સામે ધનુર્ધર થઈ ઉભો ર્‌હે છે ને તેનાં ભયથી તમારું સ્મરણ કરાવનાર કંઈ પણ મનોરાજ્ય લાગે તે પડતું મુકું છું. પણ પેલા રાફડાઓમાંથી જે દિવ્ય મૂર્તિઓ નીકળી કાલ આપણી પાસે ઉપદેશ કરતી ચાલી ગઈ એવી અનેક મૂર્ત્તિઓ નીકળતી જોવાની મ્હારી વાસના તો ખસતી જ નથી !


  1. ૧. કાલિદાસ
  2. ૨. ટૉમ્સન