આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૨


સામન્ત૦- આ સ્થાને પૃથ્વીના વાયુ બંધ થાય છે ને જરીક ચ્હડશો કે સૂર્યમંડળનાં એકલાં આકર્ષણના મહાસાગરમાં તમે જશો. આપણા મૃત્યુલોકનાં ભાગ્યનાં આકર્ષણ કરનાર ચિરંજીવો જ સિદ્ધનગરમાં દર્શન આપે છે તે તમને થોડીવારમાં મળશે. આખી પૃથ્વીના મનુષ્યલોકનાં ભાગ્યની દોરીઓ તમે અંહી જોશો ને આપણા દેશની દોરીયો પણ તમે જોશો.

આટલું બોલતામાં એ છાયા અદૃશ્ય થઈ ને મ્હોટા વાદળ જેવું વાયુ- વિમાન–બલૂન–દ્રષ્ટિયે પડયું. એ વિમાનમાંથી અનેક સોનારુપાની ને અન્ય ધાતુઓની દોરીયો નીચે લટકતી હતી ને પૃથ્વીના ગોળા ભણી ખેંચાતી હતી તેમ પૃથ્વીને ખેંચતી હતી. આ વિમાનમાંના આસન ઉપર પ્રકાશમય ધનુર્ધર મૂર્તિઓ દેખાતી હતી, તેમનું ધ્યાન તેમની ક્રિયાઓમાં હતું અને તેમની ક્રિયામાત્ર આ દોરીયો દ્વારા થતી હતી.

સર૦– કુમુદ ! મલ્લરાજ મહારાજે જે મહાત્મા અર્જુનનો સાક્ષાત્કાર પામી પોતાની રાજ્યવેધશાળા બંધાવી છે તે અર્જુનદેવનું આપણે આ વિમાનમાં દર્શન કરીયે છીયે. તું તેમનું કલ્યાણકારક મુખ તો જો!

કુમુદ૦– સંસાર એમ જાણે છે કે ગાણ્ડીવધનુનો ધરનાર અસ્ત થયેા છે!

સર૦– આપણા દેશમાંથી તે અસ્ત થયો છે પણ સૂર્ય અને ચંદ્ર જેવો જ તે ચિરંજીવ પૃથ્વીની પ્રદક્ષિણા જ કરે છે.

કુમુદ૦- આજ એમની ચંદ્રિકા કીયા ગોલાર્ધમાં સ્ફુરે છે?

સર૦– નીચેની પૃથ્વી જોઈશ તો તે દેખાશે. આ વિમાનમાંથી લટકતી દોરીયો જે જે પ્રદેશમાં ખેંચાય છે ત્યાં અર્જુનના મુખચંદ્રની ચંદ્રિકા સ્ફુરે છે.

કુમુદ૦- પૃથ્વી પર એની દોરીયો ખેંચનાર તો બહુ દેખાય છે! એ ખેંચનાર તે તે મનુષ્યો છે કે ઇતર પ્રાણીયો છે?

સર૦- તેમની મનુષ્યક્રિયાઓ ને શુદ્ધ રૂપરંગ તો પૃથ્વી ઉપર ઉતરીશું ત્યારે જણાશે, પણ અંહીથી તો વિચિત્ર પ્રાણીયો જ દેખાય છે. આપણે જે પૃથ્વી દેખીયે છીયે તે પૃથ્વી નથી પણ પિતામહપુરમાં પડેલી પૃથ્વીની ગોળ છાયાઓ છે ને આ વિમાનની દોરીયો તે પ્રતિબિમ્બરૂપ છાયાઓ સુધી જ દેખાય છે ને તે પછી તે ગુરુત્વાકર્ષણ પેઠે જાતે અદૃશ્ય સ્વરૂપે અને ફલપરિપાકમાં જ દૃશ્યરૂપે જણાય છે.