આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૭

પાઞ્ચાલીની છાયા નીચે છેક પૃથ્વીપર કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ ચાલતો હતો ત્યાં આજ એવા જ રથનું છત્ર બનાવતો અને બાંધતો ચિરંજીવ હનૂમાન ઉભો છે. આ સર્વ ચિરંજીવોને આપણે થોડી વારમાં પ્રત્યક્ષ કરીશું.

કુમુદ૦– આપણે પ્રથમ કોને મળીશું ? આપણે શું કંઈ બુમાબુમ જેવું સંભળાય છે ?

સર૦– અશ્વત્થામા રડે છે ને પરશુરામ એક પાસથી તેને જોઈ ર્‌હે છે ને બીજી પાસથી ક્રૌંચરન્ધ્ર ભણી દૃષ્ટિ કરે છે ને તેમના શરીરમાંથી અગ્નિના તનખા નીકળે છે. વળી પેલી પાસ ભીષ્મપિતામહની સ્થિતિ જોઈ ઓઠે રામ અાંગળી મુકે છે. પાઞ્ચાલીની છાયા જુવે છે ત્યારે દયાથી અશ્રુપાત કરે છે ને ઉપાય શોધે છે. કુન્તીને દેખે છે ત્યારે તેને આશ્વાસન આપે છે. પાંડવોની છાયા એને દેખે છે ત્યારે કંઈક સંજ્ઞાઓ કરે છે, ને હનુમાનને દેખે છે ત્યારે પાસે જઈ કંઈક વાતો કરે છે.

કુમુદ૦– પાંડવોની છાયા કેણી પાસેથી આવે છે ?

સર૦– ક્રૌંચરન્ધ્ર ભણીથી તેઓ ગયા છે ને એમની છાયાઓ ફરતી ફરતી પશ્ચિમ સમુદ્રમાં વાદળાં પેઠે ભમે છે ને કુરુક્ષેત્ર ઉપર ઉપરનાં વાદળાંઓ ભેગી એ છાયાઓ આવતી દેખાય છે.

કુમુદ૦– આપણે પિતામહ પાસે પ્રથમ ચાલો.

સર૦– આ પાંખો અભિલાષની સિદ્ધિ અભિલાપની સાથે જ આપે છે. જો આપણે ઉડીયે છીયે. ગંગાના મૂળ આગળ આવ્યાં.

આ સ્થાને ગંગાનો પ્રવાહ ઝીણો ઝીણો હિમાલયના એક છિદ્રમાંથી નીકળતો હતો. એક લાંબી રેખા જેવી એ નદી દેખાતી હતી. ઉપર પ્હાડી ઝાડની ઘટા હતી ને તેમાંથી ચંદ્રનાં કિરણ નદીના પાણીમાં ટપકતાં હોય તેમ ચળકતાં હતાં. આ સ્થાને પેલા છિદ્ર આગળ સરસ્વતીચંદ્રનો પાવડો જરીક અડકયો ને છિદ્ર ઉપરની શિલાઓ ખસી ગઈ. તેની સાથે ગુપ્તગંગા પ્રકટ થઈ. પેલા છિદ્રને સ્થાને મ્હોટો કુંડ દેખાયો. તેમાંથી મહાનદી મહાસ્વર કરી નીકળતી હતી અને તેની વચ્ચોવચ શેષનાગ પિતામહના શરીરની ચારે પાસે પોતાનું શરીર વીંટી ફણાનું તેમના શરીર ઉપર છત્ર ધરી બેઠો હતો. તેમના દિવ્ય પ્રચણ્ડ શરીરમાં ઘણા યુગ ઉપર અર્જુને મારેલા બાણ ખુંપી ગયા હતા તેના બ્હાર રહી ગયેલા પાછલા ભાગ હજી દેખાતા હતા ને તેમની નીચે પણ શરશય્યા જ હતી. એમનું શરીર ઘણા યુગની ક્ષુધાથી સુકાઈ ગયું હતું અને અચેતન જેવું લાગતું હતું, પણ ગંગાનો