આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૮

એક ઝરો તેમના મુખમાં નિરંતર વહ્યાં કરતો હતો તેના પાનથી એમનું શરીર અમૃતમય થઈ ગયું હતું. શરીરની નસો, અસ્થિ, અને અન્ય સર્વ શારીરિક તત્વો પારદર્શક રત્નોના વાસણમાં રાખેલા ચિત્ર પેઠે દેખાતાં હતાં, અને તેમાં ડુબેલા બાણ સોનાની ખીલીયો જેવા દેખાતા હતા. વચલા રત્નની આશપાશની સુવર્ણમુદ્રા પેઠે વીંટાયલા નાગની સહસ્ત્ર ફણાઓ ઉપર ડોલી રહી હતી.

છેક નાગનાં મુખો આગળ આવી સિદ્ધનગરનું અતિથિ-જોડું ઉભું, ને નાગ કંઈક ચમકયો.

નાગ૦– માનવીઓ, કેમ અંહી આવ્યાં છો ?

સર૦– પિતામહનાં દર્શન કરવાની વાસનાથી. અમે તેમનું પુર અને તેના કુંડમાં રહેલા ચમત્કાર જોયા ને તે પછી એમનાં પોતાનાં દર્શન કરવા ઇચ્છીયે છીયે, તમે શામાટે અને કેટલા કાળથી એમને વીંટી વળ્યા છો ?

નાગ– જ્યારથી પાંડવોએ આ દેશ છોડ્યો ત્યારથી પિતામહ અંહી છે. તમે રાફડાઓ નીચે વડવાઈઓને બાઝેલા નાગ દીઠા છે તેમનો હું આદિ પુરુષ છું, જે કારણથી તેઓ વડવાઈઓને બાઝી રહ્યા છે તે જ કારણથી હું પિતામહનું આમ રક્ષણ કરું છું, કારણ જે ગંગામાં હું વસું છું તેની મને આવી આજ્ઞા છે.

સર૦- પિતામહનું રક્ષણ કેનાથી કરો છો?

નાગ૦- તમે થોડે છેટે અશ્વત્થામાને જોશો. એ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના શાપથી ઉન્માદદશા ભોગવે છે ને તમે જે રાફડાઓ જોયા તે આ બ્રાહ્મણની જ કરેલી અવ્યવસ્થાઓનું પરિણામ છે.

પોપટ બોલી ઉઠ્યો : “સત્ય કહ્યું, નાગરાજ, સત્ય કહ્યું ! બ્રાહ્મણ- બુદ્ધિએ જ આ દેશમાંથી પાંડવોને હાંકી ક્‌હાડ્યા છે !”

નાગ– હું પણ બ્રાહ્મણ જ છું. ત્હારી બુદ્ધિમાં જે આ બ્રાહ્મણબુદ્ધિનો તિરસ્કાર સ્ફુરે છે તે પણ એ અશ્વત્થામાને જ પ્રતાપે. પિતામહની છાયામાં ને એમના યુગમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો એક યજ્ઞમાં પરસ્પર સહાયભૂત થતા ને એ શરશય્યા પર પડ્યા એટલે ગાંડા અશ્વત્થામાએ આ રાફડાનાં જાળાં બાંધી દીધાં – ને – પોપટ ! ત્હારી બુદ્ધિ પણ એ રાફડાના અધિકારીયે જ બાંધી દીધેલી છે. હું તને આ પવિત્ર ગંગાજળ છાંટું છું તેથી એ ત્હારા બંધ છુટી જશે.

ગંગાનું પાણી ઉછળવા લાગ્યું ને સર્વને તેના પવિત્ર જળના છાંટા ઉડ્યા.