આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૮

આધિયોથી, ને ઉપાધિયોથી પીડાતી દુ:સ્થિતિને પણ તે પોતાના કુટુમ્બની પેઠે પાળતો હતો. બહુ વ્યસનયુકત મુર્ખતાએ જાણે અનેક પુત્રપુત્રીઓ પ્રસવી હોય એમ દર્શાવતો હતો. અનેક દંડ વાગ્યાથી શરીરે ઢીમડાંને લીધે, ક્રોધને પણ ફળ આવ્યાં હોય તેમ એ બતાવતો હતો. સર્વ અવયવ ઉપર દીવાથી દાઝયાનાં ચાંદાં પડેલાં તેથી પોતાના ક્લેશને પણ તેટલાં મુખ આવ્યાં હોય એમ જણાવતો હતો. વગર કારણે બુમો પાડીને લોકને બોલાવાથી તેમણે પગ ઝાલી ઝાલીને તેને સેંકડો વાર ખેંચેલો તેથી તેનો પ્રવાહ પણ જાણે સપ્રવાહ હોય એમ દેખાડતો હતો.” આ બ્રાહ્મણની આ સ્થિતિ જોઈ પોપટ હસવા લાગ્યો, કુમુદ દયાથી રોવા લાગી અને સરસ્વતીચંદ્ર સૂક્ષ્મ વિચારમાં પડ્યો ત્યાં એટલામાં તો અશ્વત્ત્થામાના મેળામાં સ્થાને સ્થાને ગાઢ અંધકાર વ્યાપી ગયો અને તેની વચ્ચે વચ્ચે અનેક હોળીયોના ભડકા જેવાં દ્હેરાં ઉભાં થયાં અને તેના ઉગ્ર પ્રકાશથી આખો મેળો નવા રંગોથી ચળકવા લાગ્યો. દ્હેરે દ્હેરે નવીન રાગ નીકળવા લાગ્યા ને આકાશના તારાઓ પણ સાથે ગાનમાં ભળવા લાગ્યા. તેની સાથે પિતામહપુરના રાફડાઓમાંથી અનેક પ્રકાશની નળીયો ને છાયાઓ ચમકવા લાગી ને સઉની વચ્ચોવચ વરસતા વાદળા ઉપર એવા જ વાદળા પેઠે તરતો તરતો અશ્વત્ત્થામા ઘડીમાં હૃદયવેધક ને ઘડીમાં શાંતિવર્ષક વાંસળી વગાડતો ગાવા લાગ્યો. આ જોતો સાંભળતો વિસ્મિત બની સરસ્વતીચંદ્ર બોલ્યો.

“કુમુદ! બ્રાહ્મણ કવિએ જે વર્ણનબીજ ચૌદસો વર્ષ ઉપર લખેલું તે આજના આ વૃદ્ધ પુરુષમાં વિકાસ પામ્યું છે ! ચિરંજીવી અશ્વત્ત્થામાનું જ આ પણ એક સ્વરૂપ! જે વિષ્ણુએ એને ચિરંજીવી કર્યો તેની કૃતિની એ આમ અનુકૃતિ કરે છે. આર્ય સંસારનું પાલણ પોષણ આ ઘેલો માણસ આ વેશથી કરે છે. તું જો કે આ વસ્તીથી તરવરતા મેળામાંનાં કેટલાં મનુષ્ય એને પૂજે છે, એનો ચેપ લેઈને જાય છે, અને એ ચેપને આપણા લોકના સંસારમાં પ્રસારે છે? આપણા આખા દેશે, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની આપણી સર્વ પ્રજાએ, એવાં તે શાં પાપ કર્યાં હશે કે જેથી આવા દુષ્ટ રોગીએ વિષમય કરેલા આ પ્રબળ અનિવાર્ય વાતાવરણમાં આપણા આટલા કરોડો આર્યોને જન્મી વસવું પડતું હશે? અને તે શા મેળે ચિરાયુષ્ય મળ્યું હશે? એને આયુષ્ય આપી સર્વ લોકના આયુષ્યમાં ઈશ્વરે શાથી વિષપ્રવાહ રેડ્યો હશે? મને કંઈ સમજણ પડતી નથી. અથવા આ સુંદર દ્‌હેરાં, આ તેજસ્વી છાયાઓ,