આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૯

ને આ ઉંડું ગાન - એ સર્વ તો મનને ભ્રાંત કરી નાંખે છે ! એ નથી સમજાતો ઘેલો ને નથી સમજાતો ડાહ્યો !”

“એ તો તમારા બ્રાહ્મણ ! મલ્લરાજના પ્રિય બ્રાહ્મણ !” પોપટ બોલી ઉઠ્યો. દુઃખી સ્ત્રીપુરુષે તેને ઉત્તર આપ્યો નહી. જોતા જોતામાં એ મેળા ઉપર વાદળા પેટે એક પલંગ તરવા લાગ્યો – તેમાં પાંચાલીની ક્ષીણ શીર્ણ મૂર્તિ મૂર્છાવશ ચતી સુતી હતી ને તેનાં બે નેત્રમાંથી કાન ઉપર થઈને આંસુની ધારા ટપકતી હતી. પલંગની બે પાસે થઈને નીચે વૃષ્ટિ પેઠે આ આંસુ ટપકતાં હતાં અને પેલા મેળાનાં માણસ એ આંસુની ધારાઓના ખારા પાણીને સત્ય – મેઘરાજનું શુદ્ધ જળ જાણીને જ આનંદથી પીતાં હતાં. આ પાઞ્ચાલીના શરીરને પગના નખથી તે છાતી સુધી વસ્ત્રોથી ઢાંકતો અને સુરક્ષિત કરતો એક મહાન વાનર પલંગની એક પાસે બેઠો હતો, ને એના મુખ ઉપર પંખો નાંખતો હતો. પણ એની છાતી બધી ઉઘાડી હતી અને આ વાનર એક પાસના સ્તનને ધાવતો હતો, ને બીજી પાસ પેલો વૃદ્ધ બ્રાહ્મણ નીચેથી આવી બેઠો ને એ પાસના સ્તનને અતિ બળથી ધાવવા લાગ્યો. એના શિર આગળ ઉશીકે ક્ષમા અને ધીરતાની મૂર્તિ કુન્તી બેઠી હતી. આ અતિશ્વેત કેશ વાળી અતિવૃદ્ધ ડોશી આ દુઃખથી વિકલ થઈ માત્ર દુઃખી વધૂનાં કમળપત્ર જેવાં મીંચાયેલાં નયનો ભણી ઘણા યુગથી જોઈ રહી હતી અને એ મીંચાયેલાં નયનોમાંથી ગરતાં આંસુ લોહી લોહીને એના વૃદ્ધ કરચલીયોવાળા હાથ, ઘણો કાળ પાણીમાં રાખ્યાથી થાય તેમ, ધોળા ને પોચા પડી ગયા હતા ને એની વૃદ્ધ છાતીનો પાલવએ આંસુ સુકવતાં સુકવતાં ભીનો થઈ કોહી ગયો હતો. ઘડીમાં એ પેલા કપિનું માથું જરીક આધું ખસેડી ધાવણથી વછોડતી હતી ને તેના સામું કંઈક ઠપકા ભરી આંખે જોઈ ર્‌હેતી હતી તો ઘડીકમાં પેલા વૃદ્ધ બ્રાહ્મણનું માથું આધું ખસેડવાનો મિથ્યા પ્રયત્ન કરતી હતી. કુંતીનો આશ્વાસક હાથ વધૂના શરીર ઉપર ફરતો ત્યાં સુધી પાઞ્ચાલી આંખો મીંચી સ્વસ્થ પડી રહેતી હતી, અને એ હાથ કંઈ કારણથી દૂર થાય ત્યાં તેને પાછો ખેંચી રાખતી હતી ને કંઈક ધીમું ધીમું ઝીણું ઝીણું ન સંભળાય એવું બોલતી બોલતી ઓઠ ફફડાવતી હતી.

કુમુદથી જોઈ ર્‌હેવાયું નહી અને તે સરસ્વતીચન્દ્રનાથી આગળ , આવી પાઞ્ચાલીના પગ આગળ બેસી વાનરને પગે લાગી હાથ જોડી દીન વચન ક્‌હેવા લાગી.