આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૮

મેળાને સ્થાને આ ભવ્ય ચિત્ર કુરુક્ષેત્રના છેડાથી છેડા સુધી ખડું થયું, અને પાઞ્ચાલી ચતી સુતી હતી તેના ઉપલા ભાગના આકાશમાં આ ચિત્રનું પ્રતિબિમ્બ વાદળા પેઠે તરવા લાગ્યું અને ચતી સુતેલીની આંખોમાં પેસવા લાગ્યું. એ વાદળું મ્હોટું થવા લાગ્યું ને છેક હિમાલયના શિખર ઉપર સુન્દર આરસા જેવા બરફના ખડકોમાં ને થાંભલાઓમાં, કોઈ રમણીય ભવ્ય ચિત્રના પ્રતિબિમ્બ પેઠે, વ્યાપવા લાગ્યું.

આ સર્વ ચિત્રની વચ્ચોવચ ને છેડાઓ ઉપર અનેક ચતુર કપિલોક દોડતા દેખાતા હતા. માત્ર એકલો હનુમાન એ સર્વના મધ્યબિંદુમાં પાંચાલીના પલંગ નીચે, ઘડીમાં આ સર્વ નાટકના સૂત્રધાર પેઠે - કવિ પેઠે, ઘડીમાં યોગસ્થ યોગી પેઠે, ઘડીક સામાન્ય શ્રમજીવી - મજુર – પેઠે, ઘડીમાં કોઈ સેનાના સેનાપતિ પેઠે, આ સર્વ ચમત્કારોથી ભરેલા વાતાવરણને વીજળીથી ભરતો હતો, અને એ વાતાવરણમાંના મેઘને ઘસડતો ગર્જાવતો વર્ષાવતો હતો.

સરસ્વતીચંદ્ર અને કુમુદ આ સુન્દર ચિત્ર જોઈ આશ્ચર્યથી સ્તબ્ધ થયાં, આનંદમાં લીન થયાં, અને અશ્વત્ત્થામાનું દુ:ખ ભુલી ગયાં. હનૂમાને ઉત્સાહમાં આવી કહ્યું.

“માનવીઓ ! હું શ્રીરામની આજ્ઞાથી આ સર્વ સૃષ્ટિને રચું છું. રામાવતારમાં અમારા લોકે સમુદ્ર ઉપર પાળ બાંધી હતી. આ યુગમાં આખી પૃથ્વી ઉપર અર્જુનના રથને ફરવાને આ તાર ને સડકો અમે બાંધીએ છીયે ને સર્વ સૃષ્ટિને સાંધી લેઈએ છીયે. આ દેશની પાંચાલીની પ્રસન્નતાને માટે અને એની પ્રાચીન સંસ્કારિણી મહાપ્રજાના કલ્યાણને માટે આ મહાયજ્ઞ કપિલોક સાધે છે તેને હું હોતા છું !”

આ વચન સાંભળી પોપટ બોલી ઉઠ્યો:

“કપિરાજ ! તમે આ સુન્દર ચિત્ર બતાવ્યું પણ તે કેવી ભિત્તિ ઉપર ક્‌હાડેલું છે તે દર્શાવ્યું નથી. અહો ચિરંજીવ ! सैवेयं तव चित्रकर्मरचना मित्तिं विना वर्तते.[૧] તમારા કપિલેાક આ દેશનું શું કલ્યાણ કરે છે જે ? તમે ચિરંજીવ છો પણ નિત્ય નથી; ઉદય-અસ્તના કાળયાત્રાના ચીલા બ્હાર નથી. એવો કાળ આવશે કે પેલા પ્હાડ પાછળના રીંછલોક સાથે તમે લ્હડી મરશો ને તેને પ્હોચી નહીં વળો તો અમારું પોતાનું રક્ષણ કરવાની અને તમને સહાય થવાની અમારી શકિત તમે જાતે નષ્ટ


  1. ૧. મુદ્રા રાક્ષસ-“આ ત્હારી ચિત્રકર્મરચના ભીંત વગરની - ભોંય વગરની - છેઃ” ચિત્ર છે પણ માત્ર પવનમાં ક્‌હાડેલું છે.