આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૯

કરી છે. તમારી શક્તિની મર્યાદા આવશે ત્યારે અમારી પાસે તમને અખુટ સહાયતા આપવાની શક્તિ તમે નષ્ટ કરી છે એટલે તમે સહાય વિના કેટલા શત્રુને પ્હોચી વળશો ? તમારા ચિત્રને ભિત્તિ નથી ને તમારા પુરેલા રંગ પાણીમાં ને પવનમાં ઢોળાય છે !”

હનૂમાને ઉત્તર ન દીધો પણ પશ્ચિમમાંના આઘેના અંધકારમાંથી કઠોર તીવ્ર સ્વર સંભળાયો.

“અમે અમર છીયે. અમે અમારું રક્ષણ કરવા ને તમને વશ રાખવા સમર્થ છીયે ! સર્વ મહાસાગરોમાં તરંગે તરંગે ને ખડકે ખડકે કપિલોક ગર્જે છે ને અર્જુનનો રથ તાણે છે - એ અર્જુન કપિલોકથી છે, કપિલોક અર્જુનથી નથી. તમારા જેવાં તો ઘણાંક પક્ષિનાં ટોળાં અમે ચગદી નાંખ્યાં છે ! ”

પેાપટ– હનૂમાનજી, સાંભળો.

હનૂ૦– જે અશ્વત્ત્થામા તમારે ત્યાં છે તેના જેવો કપિ દુર્યોધન અમારે ત્યાં છે તેની આ મિથ્યા ગર્જના છે.

પેાપટ૦– મિથ્યા છે, પણ અમારા કાનમાં વાગે છે, અમારાં કાળજાં ને કુદાવે છે, ને અમારાં લોહીને ઉકાળે છે. એના વેગથી – જુવો- આ મ્હારાં પીછાં ખરી પડે છે!

હનૂ૦– વિષનું ઔષધ વિષ. તમને આનો ઉત્તર દેવા સ્વતંત્રતા છે !

પોપટ૦– સાંભળ રે દુર્યોધન ! શાને માટે અહંકાર કરે છે ? જે અર્જુન ત્હારા દેશને અમારે માથે ચ્હડાવે છે તે અમારા દેશમાં આવશે.

અદૃષ્ટ દુર્યોધન– અમારા બાહુબળમાં અમારો યોગ્ય અહંકાર છે. પાંડવો જગતનું કલ્યાણ કરશે પણ રાજ્ય તો દુર્યોધન જ કરશે - ને - અર્જુનના બળથી આશા ધરનાર માનવીઓ ! તમારાં શરીરમાં સત્ત્વ નથી, તમારા હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર કાંઈ નથી, તમારા ઘરમાં દ્રવ્ય નથી, સંસારનું ઋત[૧] એવું છે કે વનસ્પતિ પ્રાણીના પેટમાં જાય, ક્ષુદ્ર પ્રાણીયો વીર્યવાળાં સત્ત્વોના જઠરાગ્નિમાં જાય, અને વીર્યહીન પ્રજાઓ વીર્યવતી પ્રજાઓનું દાસત્વ કરી ધીમે ધીમે કાળને વશ થાય.

પોપટ૦- તેનો ન્યાય કરનાર તમને થોડી પળમાં દૃષ્ટ થશે. પણ તમે કંઈ ન્યાયને માનો છો કે નહી?

અ૦ દુ૦- ન્યાય એ પાંડવવાદીનો દમ્ભ છે ! તમારું સર્વસ્વ અમે નહી લીધું હોય તે લઈશું ને અમે નહીં લઈએ તે બીજું કોઈ લેશે.


  1. ૧. પૃષ્ઠ ૪૫૬ વગેરે.