આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૩


કુન્તી- હા. પશ્ચિમ સાગર ઉપર તેઓ ફરે છે ને હનૂમાને ત્હારા પલંગ નીચે ગોઠવેલા યન્ત્રને બળે ક્રૌઞ્ચરન્ધ્ર ઉપર તેમની છાયાઓ પડે છે. બહુ રમ્ય મૂર્ત્તિઓ તેમની દેખાય છે.

પાઞ્ચાલી– ઓ મ્હારા કનિષ્ટ પ્રાજ્ઞ સ્વામી સહદેવ ! તમે ક્યારે આણી પાસ આવશો ?

સહદેવની છાયા છેટે બોલી હોય ને તેનો પ્રતિધ્વનિ થયો હોય તેમ સંભળાયું.

“પાઞ્ચાલી ! થોડા કાળમાં આપણો યોગ નિર્મેલો છે. જે શકુનિ મ્હારી ગોસંખ્યતામાં ભુલો પડાવે છે તેનો પ્રતીકાર કરવા હનૂમાને આ દેશમાં આ મ્હારી પ્રતિમા પાડી છે ને એ પ્રતિમામાં જીવ મુકવાની શક્તિ પ્રથમ ભગવાન્ ભૃગુપતિની છે, ને પછી હનુમાનની છે, તું જુવે છે કે ત્હારા રાજભંડારના આય-વ્યયના ચિત્રની વચ્ચોવચ મ્હારી છાયા પડી છે – ને હનૂમાન મને પોતાના કપિલોકનાં “બજેટ” સાથે પ્રકટ કરે છે ને ત્હારી પ્રજા એ છાયા આગળ રમત રમતાં શીખે છે. પણ જયાં સુધી મ્હોટા ભાઈઓ ત્હારી પાસે આવી શકતા નથી ત્યાં સુધી મ્હારી ગતિ અશક્ય છે. બાકી આટલા આટલા મ્લેચ્છો ઉત્તરમાંથી આ દેશમાં આવી ગયા તેમાંથી કીયા નરે ત્હારી પ્રજા પાસે આ નાટકનો પડદો ઉંચો કર્યો છે ? દેશી કે પરદેશી કીયા રાજાએ પોતાના રાજભંડારમાંના રથનાં ચક્રને, કે અશ્વને, કે સારથિને ત્હારી પ્રજાનો હાથ અડકવા સરખો દીધો છે? આજ સુધી આ ધર્મવિષયમાં જે ધર્મ ચલવવા કોઈ રાજાની આ ભૂમિમાં છાતી ચાલી નથી તે ચલવવા હનૂમાને કપિલોકને આટલે સુધી પ્રેર્યા છે તે એવો કાળ આવશે કે મ્હોટા ભાઈઓ અંહી આવશે તેની પાછળ હું પણ મ્હારે ક્રમે આવીશ ને મ્હારાં અનેક રૂપની છાયાઓ તને સ્પર્શવા લાગી છે, તેને સ્થાને આ શરીરે ત્હારા મન્દિરમાં યથાધર્મ વાસ કરીશ અને આપણી સ્થૂલ સૂક્ષ્મ પ્રીતિનાં ફળ આપણે ભોગવીશું ! પાઞ્ચાલી ! લાંબો વિયોગ વેઠ્યો છે પણ કુન્તીમાતાના આશ્રયથી તું તે વેઠી શકી છે. તો થોડી વધારે વેળા ધૈર્ય રાખ અને ત્હારા પ્રાજ્ઞ પતિ ન્હાના સહદેવનું ગણિત ત્હારા હૃદયમાં આશા પૂરો કે-

[૧]"शापान्तो नौ भुजगशयनादुत्थिते शार्ङ्गपाणौ । '
शेषान्मासान् गमय चतुरो लोचने मीलयित्वा ॥

  1. ૧. મેઘદૂત. “આપણે વિયોગ જે શાપથી થયેલો છે તેનો અવધિ નારાપણ શેષશાયી શેષ ઉપરથી જાગે ત્યાં સુધી છે. એ અવધિ ચારમાસપછી સમાપ્ત છે - તે બાકી રહેલો કાળ આંખો મીચીને ગાળી નાંખ !"