આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૯

જોતો આવ્યો છું, ને ન જોનારને પણ દેખાડતો આવ્યો છું, તું એ માહાત્મ્ય જાણે છે, પણ તેના સ્મરણનો જીર્ણોદ્ધાર કરવા ફરી કહી બતાવું છું. તું એ નહીં જાણે તો કોણ જાણનાર સાંભળનાર હતું ?"

પાઞ્ચાલી હાથ જોડી બેઠી થઈને સર્વ પાસના ચન્દ્ર અને તારાઓ, હનૂમાન, અને અશ્વત્ત્થામા, કાન માંડી સજજ થયાં. પરશુરામને ખભે પરશુની તીક્ષ્ણ ધાર સાત ચન્દ્રનાં કિરણમાં ચળકાટ મારવા લાગી ને ખભા પાસેના રામના મુખનો પ્રકાશ પણ તેના ઉપર એટલો બધો પડતો હતો કે પવનમાંના ભેજથી તેના ઉપર પડતા ડાઘ પણ સુકાયલા લોહી જેવો જણાતો હતો. કુરુક્ષેત્રના શિર ઉપર આવે સમયે રામનો ધીર વીર સ્વર કોઈ ગરૂડ પેઠે રામની મુખગુફામાંથી નીકળી ક્રૌંચરન્ધ્ર સુધી સ્થિર ગતિથી જવા લાગ્યો.

“કુરુક્ષેત્ર ! આ પૃથ્વીના ગોળા ઉપર તું એકલું એક જ ધર્મક્ષેત્ર છે ! ત્હારા ચોગાનમાં સંગ્રામ થાય ત્યારે ધર્મરાજાનો જ જય થવાનો ! यतो धर्मस्ततो जय: એ વાક્ય ત્હારે માટે સર્વથા સિદ્ધ છે ને વ્યાસમુનિએ તને ધર્મક્ષેત્ર કહેલું છે તે તર્કથી નથી આપ્યું, અભિમાનથી નથી આપ્યું, પણ તેમની યોગદૃષ્ટિમાં પ્રત્યક્ષ થયલા દર્શનને લીધે એમણે એ નામ આપ્યું છે. અધર્મીઓ ! કુરુક્ષેત્ર પ્રમાદ અને અધર્મને માટે નથી અને તેમાં જઈ યુદ્ધ માંડવાની છાતી ચલવતાં સાવધાન ર્‌હેજો ! આ ક્ષેત્રનું મૂળ પેલા ક્રૌંઞ્ચરન્ધ્રમાં છે ત્યાંથી કુરુક્ષેત્રની સિદ્ધ ભૂમિનો આરમ્ભ થાય છે. પેલા નિત્યહિમના ઢગલાઓને રૂપે કવચ અને ટોપ પ્હેરી રાખનાર હિમાલયના કૈલાસશિખર આગળ દેવોનાં, બ્રાહ્મણોનાં, અને ક્ષત્રિયોનાં પરાક્રમની આદિ ભૂમિનો માર્ગ છે. એ માર્ગની આશપાશ આવાં કવચ અને ટોપ ધરનાર ઉંચાં ગિરિશૃંગ આવી રહ્યાં છે. એ શૃંગો વચ્ચે થઈને જે લાંબી ખીણ જેવો માર્ગ છે તેમાં થઈને દેવોનાં શરીર જેવા, બ્રાહ્મણની વિદ્યા જેવા, એને ક્ષત્રિયોના યશ જેવા, શ્વેત અતિશ્વવેત રાજહંસો માનસ સરોવરમાં આવજાવ કરે છે, ને એ હંસના માર્ગથી જ માર્ગ શોધી છંદોદેવતાના આર્ય દ્રષ્ટાઓ અંહી આવ્યા છે; આ દેશના બ્રહ્મદેવ આ હંસોનું જ વાહન કરી ગાયત્રી ગાતાગાતા આ દ્રષ્ટાઓને રૂપે આવ્યા છે[૧] તે કાળ આ દેશનો પ્રભાતકાળ હતો અને બ્રહ્મદેવ ધર્મની સ્થાપના કરી આ શુચિ તીર્થમાં


  1. ૧. पूर्वान्हे तु या सन्ध्या X X हंसस्कन्धसमारुढा
    ब्रह्मदेवता गायत्री छंदसां माता (इत्यादि० प्रात:सन्ध्योपासने)