આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૬

કરાવે છે. સ્થૂલ શરીર પાછળ સાધુજનો શોક કરતા નથી. વિધવાઓ પતિના સૂક્ષ્મ શરીરને અમર ગણી તેના સ્થૂલ શરીરના મૃત્યુને માત્ર ક્ષણિક વિયોગરૂપ ગણે છે અને સ્થૂલ શરીરના કોઈ પણ અંશનો ક્ષય કરતી નથી. કેશકલાપ અને કરકંકણને પતિસંયોગના સંસ્કારોનાં સ્મારક ગણી, પતિના જીવની પઠે જાળવી મૂકે છે; અને બાકીના કૃત્રિમ અલંકારોને તો તેઓ સંયોગકાળે પણ પહેરતાં નથી તો વિયોગમાં તેનો ત્યાગ બાકી રહેતો નથી. આમરણાંત બાહ્ય શોકનો ત્યાગ કરવો એ સાધુ જીવનનું રહસ્ય ગણાય છે અને અંતઃશોકને પતિના સૂક્ષ્મ શરીરના યોગ વડે શમાવે છે. તેમની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતથી આ યોગ વૈધવ્ય કાળની સાથે જાતે પ્રાપ્ત થાય છે ને પ્રાપ્ત કરવો પડતો નથી. એમના વચનમાં શ્રદ્ધાથી અને આપની આજ્ઞાથી તેમનું વચન પાળી આ કન્થા મેં ધારી છે."

સરસ્વતીચંદ્ર- "પ્રિયજનના મૃત્યુને ક્ષણિક વિયોગ ગણી તેઓ એકવેણી કેશકલાપ રાખે છે ને કેશનો ત્યાગ કરતાં નથી એવું મારા સમજ્યામાં છે. વિયોગકાળે એવી એકવેણી રાખવાનો સંપ્રદાય મેઘદૂતમાં છે[૧] તે અહીં પળાય છે."

કુમુદસુંદરી - "તે સત્ય છે. સાંસારિણીઓ નથી સમજતી વિયોગના ધર્મ ને નથી સમજતી સંયોગના મર્મ. દુષ્ટ સંસાર પતિવત્સલા પત્નીને વરધેલી ગણી વખોડે છે ને દંપતીની પ્રીતિ જરી પણ પ્રકાશ પામે તો તેને સ્ત્રીચરિતના ચાળા ગણે છે ! સાધુજનો એથી ઊલટા માર્ગને પ્રમાણે છે. મને તો કંઈ સમજણ ન પડતાં આ કન્થા ધારી અહીં આવી છું. મારા કેશ છે કે નહીં તેનો હું વિચાર કરતી નથી. મારા અંતઃશોકમાં ડૂબી બહારના વિધિની વાત ભૂલી જાઉં છું."

સરસ્વતીચંદ્ર- "તેથી જ તમે સાધુતાને પામો છો. તમે સાધુ છો."

કુમુદસુંદરી- "જો આપનો એવો વિશ્વાસ હોય તો મારો શોક સરી જશે."

સરસ્વતીચંદ્ર- "હું માનું છે તે કહું છું."

કુમુદસુંદરી - "આપના જેવા સાધુજનમાં અન્ય સંભાવના સર્વથા અયોગ્ય છે તે મારા શોકે મને પળવાર કરાવી."

સરસ્વતીચંદ્ર- "તો વિચાર આરંભો અને છેલ્લો નિર્ણય કરી કહો કે આપણે હવે કેવી રીતે ર્‌હેવું છે ને કેવો આચાર પાળવો


  1. आद्ये बद्धा विरहदिवसे या शिखा दाम हित्वा
    शापस्यान्ते विगलितशुचा तां मयोद्वेष्टनीयाम ।
    स्पर्शक्लिष्टामयमितनखेनासक्त् सारयन्तीं,
    गण्डाभोगात्कठिनविषममेकवेणीं करेणा। ॥